JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની આગળ વધતી મુહીમ

જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ૩૨૩૦ જેટલી તાલીમ યોજાઈ: ૬૦ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે કરાયા પ્રેરિત

……

પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપવા વધુ ૫૦ ક્લસ્ટર બનાવાશે : એક ક્લસ્ટરમાં ૫ ગ્રામ પંચાયતને આવરી લેવાશે

…..

વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ફાર્મર માસ્ટર ટ્રેનર ગામડે ગામડે જઈ પ્રાકૃતિક ખેતીના લાભોની આપે છે જાણકારી

જૂનાગઢ તા.૧૦    જૂનાગઢ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે પ્રાકૃતિક કૃષિની મુહિમ આગળ વધી રહી છે. આ માટે ખાસ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ૩૨૩૦ જેટલી તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦,૬૯૫ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે જૂનાગઢ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ જણાવે છે કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ વધુ સારી રીતે આપી શકાય તે માટે જિલ્લામાં વધુ ૫૦ ક્લસ્ટર બનાવશે. એક ક્લસ્ટરમાં પાંચ ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવશે. જેમાં વધુ ૫૦ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૫૦ ટેકનિકલ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિની તાલીમ આપશે.

જિલ્લામાં જુદા જુદા તાલુકામાં  પ્રાકૃતિક કૃષિની તાલીમ માપવા માટે ૫૦ ક્લસ્ટર કાર્યરત છે અને વધુ ૫૦ ક્લસ્ટર કાર્યરત થવાથી પ્રાકૃતિક ખેતીની મુહિમ જિલ્લામાં તેજીથી આગળ વધશે.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગામડે ગામડે જઈ, વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત એટલે કે, ફાર્મર માસ્ટર ટ્રેનર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી પોતાને થયેલા લાભો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આ સાથે ખેતીવાડી વિભાગ સાથે જોડાયેલા ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર, આસિસ્ટંટ ટેકનોલોજી મેનેજર, બાગાયત મદદનીશ, ખેતી મદદનીશ પણ પ્રાકૃતિક કૃષિ અંગેનું ટેકનિકલ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિની તાલીમમાં જરૂરી ડેમોસ્ટ્રેશન કરવાની સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ એવા જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને સહજીવીપાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિગતવાર જાણકારી આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!