Dang: પ્રજાજનોના પ્રશ્નો, રજૂઆતો પરત્વે સંવેદનશીલતા સાથે સમય મર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા આવશ્યક છે.,ડાંગ જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી
ડાંગ જિલ્લા સંકલન સમિતિ સહિત યોજાઈ શ્રેણીબદ્ધ બેઠકો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં પણ માસના ત્રીજા શનિવારે શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર સભાળતા ક્લેકટર શ્રી મહેશ પટેલે, જિલ્લા અધિકારીઓને આગામી દિવસોમાં આવી રહેલા ‘વિશ્વ યોગ દિવસ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ સહિત તાલુકા, જિલ્લાના ‘સ્વાગત કાર્યક્રમો’ બાબતે તૈયારીઓ પૂર્ણ કરવાની સૂચના આપી છે.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ, જિલ્લામાં શાળાઓ શરૂ થતાં જ, સરકારશ્રીની નવી પોલિસી મુજબ શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે વપરાતી સ્કૂલ વાન,બસ, ઓટો રિક્ષા, ટુ-વ્હીલર બાબતે કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા.
પ્રજાજનો, અરજદારોની ફરિયાદ, પ્રશ્નો, રજૂઆતો પરત્વે સંવેદનશીલતા સાથે સમય મર્યાદામાં અરજીઓનો નિકાલ આવશ્યક છે, તેમ જણાવતા કલેક્ટરશ્રીએ પદાધિકારીઓની રજૂઆતો, પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
આગામી દિવસોમાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યક્રમ, વિશ્વ યોગ દિવસ શાળા પ્રવેશોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ જેવા કાર્યક્રમોમાં, સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમોની તૈયારીઓને આટોપવાની સૂચના પણ કલેકટરશ્રીએ આપી હતી.
સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ તથા સરકારી લેણાની બાકી વસૂલાત, પડતર તુમાર, પેન્શન કેશ, ઓડિટ પેરા, નાગરિક અધિકાર પત્ર, વીજળીકરણ સહિત કચેરીની સ્વછ્તા અને જિલ્લા તાલુકાની તમામ કચેરીઓ નિયત કચેરી કાર્યપદ્ધતિ અનુસાર ચાલે, તે સુનિશ્વિત કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.
દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ પણ, જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ સૌને કાર્યવાહીથી અવગત કરાવ્યા હતા.
બેઠકમાં નાયબ વન સરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત, પ્રાંત અધિકારીશ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરલ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.