વાત્સલ્યમ સમાચાર
ડાંગ
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈઃ
સૌ ભણે, સૌ આગળ વધે’ એવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૨૬, ૨૭ અને ૨૮મી જૂન દરમિયાન સમગ્ર રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરાયું છે.
શાળા પ્રવેશોત્સવના આ ૨૧મા તબ્બકામા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ કેબનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સચિવશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ, રાજ્યની પ્રાથમિક શાળાઓમા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવનાર છે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી.
ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન-૨૦૨૪ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં ૫૦૯૭ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં, ધોરણ-૧ માં કુલ-૧૫૨, ધોરણ-૯ માં કુલ-૫૦૨૬ અને ધોરણ-૧૧ માં કુલ-૪૦૯૩ મળી જિલ્લામાં કુલ – ૧૪,૩૬૭ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે.
આ પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ ત્રણ દિવસ રાજ્યભરની શહેરી તથા જિલ્લાની ગ્રામીણ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે.
દરમિયાન મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતેથી આયોજિત શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની દ્રશ્ય શ્રાવ્ય બેઠકમાં પણ સૌ જિલ્લા અધિકારીઓએ કાર્યક્રમ સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સંભવતઃ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના બિલિઆંબા પ્રાથમિક શાળા ખાતે સ્વયં ઉપસ્થિત રહી, નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવશે. મુખ્યમંત્રીશ્રીના આ કાર્યક્રમ સંદર્ભે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ સહિતના ઉચ્ચાધિકારીઓએ સ્થળ મુલાકાત કરી જરૂરી સમીક્ષા હાથ ધરી હતી.
બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ બીબીબેન ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, નાયબ વન સરક્ષક શ્રી રવિ રાધાકિષ્ના, શ્રી દિનેશ રબારી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રીવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.