દેરામોરા પ્રાથમિક શાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કુમકુમ તિલક કરી બાળકોને ઉષ્માસભર આવકાર
બાળકો શિક્ષણથી સજ્જ થઈને સારું જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છા પાઠવતા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના નાયબ નિયામકશ્રી આર.આર.પટેલ
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ -૨૦૨૪ અંતર્ગત રાજ્યમાં ૧૦૦% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ-૦૧ અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ-૦૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ -૨૦૨૪નો સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શુભારંભ થયો છે.
ખંભાળિયા તાલુકાની દેરામોરા પ્રાથમિક શાળા ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના નાયબ નિયામક શ્રી આર.આર. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કુમકુમ તિલક કરી બાળકોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકામાં કુલ ૨૨ બાળકો અને ધોરણ-૦૧માં ૦૫ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી નાયબ નિયામકશ્રીએ પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ નિયામકશ્રી આર.આર.પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકોના નવા અસ્તિત્વ, વ્યક્તિત્વ અને ઉમળકાનું પ્રતીક છે. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવું એ આપણા સૌની જવાબદારી છે.
વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, વાલીઓએ પણ બાળકોની કેળવણી માટે સતત જાગૃત રહેવું જોઈએ. બાળકને સારા જીવન ચરિત્ર વંચાવવા જોઈએ. વધુમાં તેમણે છાત્રોને નિયમિતતા કેળવવા અને શાળામાં કરાવવામાં આવેલ અભ્યાસનું દૈનિક વાંચન કરવા જણાવ્યું હતું. અંતમાં બાળકો શિક્ષણથી સજ્જ થઈ ખુશહાલ જીવન પસાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ તકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કૃષ્ણા સોલંકીએ જણાવ્યું હતું કે, આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોને ગુણવતાસભર શિક્ષણ આપવા શિક્ષક દ્વારા અનેક નવતર પ્રયોગો કરવામાં આવતા હોય છે. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો ખૂબ આગળ વધે અને તેમના સ્વપ્ન સાકાર કરે તે અંગેની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નંદાણીયા દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષીકા શ્રી જલ્પાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જીતેન્દ્રભાઈ કણજારિયા, સરપંચ શ્રી સંજનાબેન, તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.