ગાંધીનગર પ્રાંત અધિકારીશ્રીએ દહેગામ જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી

ગાંધીનગર પ્રાંત અધિકારીશ્રીએ દહેગામ જનસેવા કેન્દ્રની ઓંચિતી મુલાકાત લીઘી
————————————-
જનસેવા કેન્દ્રમાં પિટીશન રાઇટર ન હોય તેવા વ્યક્તિઓ અરજદારોની અરજી લખવાના બહાને કચેરીમા ફરતાં ચાર શખ્સો સામે પ્રાંત અધિકારીશ્રીએ લાલ આંખ કરીને તાત્કાલિક કચેરી છોડી દેવા જણાવ્યું
————————————-
ગાંધીનગર: બુધવાર:
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ સંબંધિત અધિકારીને સરકાર દ્વારા પારદર્શક રીતે નાગરિકો માટે સેવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જયાં અમુક તત્વો કોઇપણ રીતે લાભ ન ખાટી જાય તેની તકેદારી રાખવાની જરૂર છે. જે અંતર્ગત દહેગામ તાલુકાની મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રની ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયાએ ઓંચિતી મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમ્યાન પિટીશન રાઇટર ન હોય તેવા અરજી સ્વીકારતા અને લખતાં ચાર જેટલા શખ્સોને જનસેવા કેન્દ્રની બહાર નીકળી જવા જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પરથી નાગરિકોને આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, જમીન મહેસુલના દાખલા જેવી સરકારની અનેક વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. જનસેવા કેન્દ્ર આજે રાજય સરકારની વિવિધ સેવાઓ માટે સ્થાનિક કક્ષાએ ઝડપી, વિશ્વસનીય અને પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેની સૂચનાથી આજે દહેગામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રની પ્રાંત અધિકારીશ્રીએ ઓંચિતી મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમ્યાન તેમણે વિવિધ સેવાઓ અંગેની માહિતી કર્મચારીઓ પાસેથી મેળવી હતી. તેમજ જનસેવા કેન્દ્રમાં આવેલા લાભાર્થીઓ અને નાગરિકો પાસે તેમના મુખે જનસેવા કેન્દ્રની કામગીરી અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો.
તેમની આ મુલાકાત દરમ્યાન પિટીશન રાઇટર ન હોય તેવા ચાર વ્યક્તિઓ અન્ય લાભાર્થીઓની અરજી લખતાં નજરે ચઢી ગયા હતા. પ્રાંત અધિકારીશ્રીએ તેમની ઝીણવટપૂર્વક તપાસ કરી તેમની સામે લાલ આંખ કરીને તેમને જનસેવા કેન્દ્રમાંથી બહાર મોકલી દેવા માટેની સૂચના આપી હતી. આ વાતથી સમગ્ર દહેગામ મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રાંત અધિકારીશ્રીએ આ પ્રકારના વ્યક્તિઓ જનસેવા કેન્દ્રમાં ન આવે તે અંગેની સૂચના સંબધિત અધિકારીને આપી છે. તેમ છતાં કોઇપણ વ્યક્તિ આ રીતે આવે તો તેની સામે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી કરવા પણ સંબધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું છે.



