શ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
પ્રિતેશ પટેલ વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકાના ભીનાર શ્રી સદ્દગુરૂ હાઈસ્કૂલ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે.
આ કાર્યક્રમ અન્વયે આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શ્રી વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત શ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડીપાર્ટમેન્ટ માં ઉપસચિવ તરીકે સેવા બજાવી રહેલ પદાધિકારી ધર્મિષ્ઠાબેન ડી. વસાવા , દહેજ પ્રતિબંધક અધિકારી જિલ્લા કક્ષાના આર.કે.પટેલ, લાયઝન અધિકારી અનિલભાઈ એ.પટેલ. ભીનાર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઈ આર. પટેલ , ગામના અગ્રણી વડીલો, દીપકભાઈ પટેલ તથા શાળા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો ત્યાર બાદ ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરી તેઓને શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધોરણ 10 ના વિદ્યાર્થી આયુષકુમાર પટેલ દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સંદર્ભે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે ગત વર્ષ શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં જિલ્લા/ કક્ષાએ તેમજ રાજય કક્ષાએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓ પ્રતીકકુમાર આર .પટેલ, શ્રેયાંકકુમાર જી .પટેલ તથા વિદિશાકુમારી ડી. પટેલનું મહેમાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત દહેજ પ્રતિબંધક અધિકારી આર. કે. પટેલે પોતાના પ્રસંગિક ઉદબોધનમાં શાળાના વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ અને સાંપ્રત સમયમાં શિક્ષણ થકી જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય તે વિશે પોતાના વિચારો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રાખી અભ્યાસ કરવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જ તેમણે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સમગ્ર શાળા પરિવારની પ્રશંસા કરી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન ધોરણ 12 સાયન્સ ની વિદ્યાર્થીની સૃષ્ટિબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોદ્વારા શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. . શાળાના કેમ્પસની સુંદરતા અને શાળાના પરિણામો જોઈ કાર્યક્રમના મુખ્ય મહેમાન ધર્મિષ્ઠાબેન ડી વસાવા દ્વારા શાળાની કામગીરીની પ્રશંસા કરી વિદ્યાર્થીઓનું ભાવી વધુ ઉજવળ બનાવવા અને શાળા સતત પ્રગતિ કરતી રહે એવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષક વિજયભાઈ બી.કુરકુટિયા દ્વારા કરવામાં આવી હતી.