
જૂનાગઢ તા. ૨૭ મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર પ્રાથમિક શાળા અને ગાયત્રી વિદ્યાલય શાળાનો સયુંક્ત શાળા પ્રવેશોત્સવ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમની શરુઆત ઉપસ્થિત મહેમાનોનું પુસ્પગુચ્છથી સ્વાગત કરી કરવામાં આવી હતી, ત્યાર બાદ પોતાના શૈક્ષણિક જીવનની શરુઆત કરનાર બાળકોનો જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર દ્વારા પુસ્પગુચ્છ આપી શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ખોડીયાર પ્રાથમિક શાળામાં ૧૭ બાળકોનો બાલ વાટીકામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ૩૬ વિદ્યાર્થીઓનો ગાયત્રી વિદ્યાલયમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.
હરેશભાઇ ઠુંમરે પોતાના શાબ્દીક ઉદ્બબોધનમાં જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખુબ જ જરુરી છે. તેથી કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની જવાબદારી આપણા સૌની છે. બાળક શિક્ષીત હશે તો દેશ-સમાજનો વિકાસ ઝડપથી થશે. જ્ઞાનથી પર આ જગતમા કાઇ છે જ નહી જેથી દરેક બાળકે પુરા ખંતથી શિક્ષણ મેળવવુ જોઇએ. તે સાથે બાળકોના પોતાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ મુકાશભાઇ કાછડિયા, તાલુકા પંચાયત સભ્ય અનિરુદ્ધસિંહ શેખવા, સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.







