GUJARATKUTCHMUNDRA

મુંદરા તાલુકાના નવીનાળ તથા મોટી ખાખરની પ્રાથમિક શાળાના ભૂલકાંઓએ રંગેચંગે શાળા પ્રવેશ મેળવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૭ જૂન : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિરમભાઇ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિમાં મુંદરા તાલુકાના નવીનાળ તથા મોટી ખાખરની પ્રાથમિક શાળાના ભૂલકાંઓએ રંગેચંગે શાળા પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ- ૧માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રુપે શૈક્ષણિક કિટ ભેટ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવીનાળ પ્રાથમિક શાળા ખાતે ૮૨ તથા મોટી ખાખર પ્રાથમિક શાળા ખાતે ૩૧ બાળકોને શાળા પ્રવેશ કરાવતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, બાળકો આગળ વધે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી છે. તત્કાલીન મુખ્યમંત્રી તથા‌ હાલના વડાપ્રધાનશ્રીએ શાળા મહોત્સવની શરૂઆત કરાવી હતી. જેની શિક્ષણયાત્રા થકી આજે શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળ્યું છે. બાળકોના વિકાસ માટે પ્રવેશોત્સવ બાદ પણ શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજવા શિક્ષકોને ચેરમેનશ્રીએ અનુરોધ કર્યો હતો. મોટી ખાખર ખાતે પ્રાંત અધિકારી શ્રી ચેતન મિશણે કન્યા કેળવણી ઉપર ભાર મુકતા ખાસ કરીને નબળા બાળકો વિશેષ ધ્યાન આપવા શિક્ષકોને અપીલ કરી હતી. તથા ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે વાલી, ગામના અગ્રણીઓ તથા શિક્ષકો સક્રિય કામગીરી કરે તેમ જણાવ્યું હતું. ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્ર ગઢવીએ કેન્દ્ર – રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિનો ઉલ્લેખ કરી કન્યા કેળવણીનું મહત્વ જણાવ્યું હતું.આ તકે બંને શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે નવીનાળ ખાતે તાલુકા પંચાયત સદસ્યશ્રી ભરતસિંહ જાડેજા, દાતાશ્રી ભાવેન્દ્રસિંહ જાડેજા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારીશ્રી ઉમેશ રૂઘાણી, સીઆરસીશ્રી બિપીન પટેલ, બીઆરસીશ્રી સમીર ચંદારાણા, વહીવટદારશ્રી સુનીલ પટેલ, અગ્રણીશ્રી પાલુભાઇ ગઢવી, એસએમસીના પ્રમુખશ્રી પરેશ મહેશ્વરી, શાળા આચાર્યશ્રી અર્ચનાબેન પટેલ સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!