રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાસ્કૂલમાં જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાસ્કૂલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા.
પોલીસ અધિક્ષકના હસ્તે ધોરણ-૯માં ૬૯ કુમાર અને કન્યા- ૫૩ કુલ-૧૨૨, ધોરણ-૧૦માં કુમાર-૭૪ અને કન્યા- ૫૮ કુલ- ૧૩૨, ધોરણ- ૧૧માં કુમાર-૬૨ અને કન્યા- ૫૩ કુલ – ૧૧૫ બાળકોને આજના પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમ બાદ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક(અજમાયશી) કુણાલસિંહ પરમાર, જુનારજ શાળાના આચાર્ય જયેશભાઈ અને અંબુભાઈ પુરાણી હાઇસ્કુલના આચાર્ય જીગેશ પટેલ હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત ત્રણ દિવસ દરમિયાન ઢોલ- નગારા સાથે વાજતે-ગાજતે વિદ્યાર્થીઓને આંગણવાડી-શાળાઓમાં પ્રવેશ અપાયો હતો. રાજ્યકક્ષાએથી જિલ્લામાં પધારેલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓ આ ઉત્સવમાં સહભાગી બની બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.