Lodhika: આંગણવાડી, ધોરણ-૧, બાલવાડીમાં ભૂલકાઓનો ઉમંગભેર પ્રવેશ કરાવાયો: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરાયું

તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Lodhika: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે લોધિકા તાલુકાના પારડી, શીતળામા અને સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાડી તથા ધોરણ-૧માં બાળકોનો ઉમંગભેર શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પ્રથમ હરોળમાં આવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા તેમણે દીકરીઓને શિક્ષણ તરફ પ્રેરિત કરી તો શાળા પ્રવેશોત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તે સુનિશ્ચિત કર્યું. પ્રધાનમંત્રીશ્રીએ મેરિટ આધારિત શિક્ષકોની ભરતી, તેમના પગાર ધોરણમાં સુધારો, શાળાઓને માળખાકીય સુવિધાસભર બનાવી. આ ત્રણ પાયા મજબૂત થતાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવ્યું. રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કરેલ ભગીરથ પ્રયાસોમા વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ યોગદાન આપી રહી છે. આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચો આવી ગયો છે, દીકરીઓ શિક્ષણમાં ૧૦૦% પ્રવેશ મેળવી નવા શિખરો સર કરી રહી છે.આજે નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના દ્રારા બાળકોને ઉચ્ચ શિક્ષણમા સહાયક બની ઉડવા માટે નવી પાંખો આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ આ તકે શાળામાં પ્રવેશ લેનારા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાજ અને સરકારના સહકારથી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ થશે ત્યારે સૌ માતા પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા સહકાર આપે તે જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અલ્પાબેન તોગડિયાએ રાજ્ય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની માહિતી આપી વાલીઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપસચિવ શ્રી નિકકી ઓઝાએ નવી શિક્ષણનીતિ વિષે વિસ્તૃત સમજ આપી ભવિષ્યમાં બાળકોની આંતરિક શક્તિઓને ખીલવી આ નીતિ દ્રારા ભારતનો શૈક્ષણિક વારસો વધુ મજબૂત બનશે તેવી આશા વ્યકત કરી હતી.
પારડી પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં ૧૫ બાળકો, બાલવાટિકામાં કુલ ૪૮ બાળકો તેમજ સીધા ધોરણ ૧માં કુલ ૫ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
જ્યારે શીતળામા પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં ૮ બાળકો, બાલવાટિકામાં કુલ ૫૦ બાળકો તેમજ સીધા ધોરણ ૧માં કુલ ૧૧ બાળકોનો, તો સ્વામી વિવેકાનંદ પ્રા. શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમા આંગણવાડીમાં ૧૦ બાળકો, બાલવાટિકામાં કુલ ૪૨ બાળકો તેમજ સીધા ધોરણ ૧માં કુલ ૭ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
આ તકે મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને શિક્ષણ કીટ અને આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટ સાથે પોષણ કીટ વિતરણનું કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાના ધો. ૧ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓને અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી સામાજિક વનીકરણમા સહકાર આપવા અનુરોધ કર્યો હતો તેમજ શાળાની મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ભૂલકાઓએ કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ ભૂવા, અગ્રણી શ્રી મુકેશભાઈ તોગડીયા, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદીપ સિંધવ, અગ્રણીશ્રીઓ ડો.દિનેશ ચોવટીયા, મુકેશભાઈ ખમાણી, મુકેશભાઈ તોગડિયા, અશોક ભુવા, સવજી પરમાર, લોધિકા મામલતદાર શ્રી ડી.એન.ભાડ, યુવા અગ્રણી શ્રી મનુ કાછડીયા, નીતાબેન વેકરીયા, પારડીના સરપંચ શ્રી મહેશભાઈ માટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





