ANANDANAND CITY / TALUKO

આણંદ ખાતે ખરીફ ઋતુપૂર્વ તાલીમ વર્ગ અને દ્વિ-માસિક વર્કશોપ યોજાયો

આણંદ ખાતે ખરીફ ઋતુપૂર્વ તાલીમ વર્ગ અને દ્વિ-માસિક વર્કશોપ યોજાયો

તાહિર મેમણ – આણંદ -02/07/2024- આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે કુલપતિ શ્રી ડૉ. કે.બી.કથીરીયાની અધ્યક્ષતામાં વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી હસ્તકની તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત ખરીફ ઋતુપૂર્વ તાલીમ (પ્રિ-સિઝનલ) વર્ગ અને દ્વિ-માસિક વર્કશોપ યોજાયો હતો.

તાલીમના પ્રારંભે ડૉ. કે.બી.કથીરીયાએ જણાવ્યું હતુ કે ખરીફ ઋતુપૂર્વના તાલીમ વર્ગમાં યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ તેમજ બાગાયત ખાતાના વિવિધ અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે, ત્યારબાદ અધિકારીઓ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોને તાલીમ આપે છે અને અંતે ગ્રામસેવકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. તેમણે વધુમાં આ તાલીમ કૃષિ તેમજ અન્ય ક્ષેત્રોને લગતી અદ્યતન માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટેનું સક્ષમ માધ્યમ બને છે તેમ જણાવી તાલીમના મુખ્ય ઉદ્દેશ્યો અંગે માહિતી આપી હતી.

વધુમાં શ્રી કથીરીયાએ આ બે દિવસીય પ્રિ-સીઝનલ તાલીમ કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતી પાકોના ખેત ઉત્પાદનના વિવિધ પાસા જેવા કે, જમીનની તૈયારી, ખાતર વ્યવસ્થાપન, પાક ઉત્પાદનની પદ્ધતિ, નિંદણ નિયંત્રણ, રોગ નિયંત્રણ, જીવાત નિયંત્રણ, કૃમિ નિયંત્રણ, કઠોળ, ડાંગર, મકાઇ, શાકભાજી અને ફળ પાકોની ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિ, અનુભવ બીજની માહિતી, જૈવિક ખાતર વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. ઉપરાંત તેમણે યુનિવર્સિટી ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિના વિવિધ પાકોના અખતરાઓ અંગે જાણકારી આપી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી, આત્મા કચેરી, ખેતીવાડી અને બાગાયત ખાતા દ્વારા સંયુક્ત રીતે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં સંશોધન નિયામકશ્રી ડૉ.એમ.કે.ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. જે. કે. પટેલ, સંયુકત ખેતી નિયામકશ્રી અમદાવાદ એન. એમ. શુક્લ, નાયબ ખેતી નિયામકશ્રી-વડોદરા જી.એચ. સુથાર, નાયબ બાગાયત નિયામકશ્રી વડોદરા નિલેશભાઈ પટેલ, તાલીમ સહાયક ડૉ. શૈલેષ પટેલ, મધ્ય ગુજરાત જિલ્લા ખેતીવાડી અધિકારી અને બાગાયત ખાતાના સંયુક્ત ખેતી નિયામકશ્રી, વિવિધ વિભાગોના અધિકારીઓ, કિસાન કોલ સેન્ટર-અમદાવાદના ફાર્મ ટેલી એડવાઈઝર્સ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના સંશોધન વૈજ્ઞાનિકો જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!