
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગતરોજ ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ નોંધાયો હતો. મંગળવારે ડાંગ જિલ્લાનાં વઘઇ, સુબિર, આહવા,સાપુતારા, સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.મંગળવારે ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં અવિરતપણે ધોધમાર વરસાદ તૂટી પડતા નાનકડા કોતરડા, ક્યારાઓ સહિત ઝરણાઓ ડહોળા નિરની સાથે ઉભરાયા હતા.સાથે સૂકી ભઠ અંબિકા નદીમાં અમુક જગ્યાએ નવા નીર જોવા મળ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદે વિધિવત રીતે એન્ટ્રી ચાલુ જ રાખતા ડાંગી ખેડૂતો પરંપરાગત હળ સાથે ખેતીમાં જોતાયેલ જોવા મળ્યા હતા.જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે પણ ભારે પવનનાં સુસવાટા સાથે વરસાદી માહોલ જામ્યો હતો.સાપુતારા ખાતે વરસાદી મહોલની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોએ ચાર ચાંદ લાગી જવા પામ્યો હતો.વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા,ડોન હિલ રિસોર્ટ, મહાલ કેમ્પ સાઇટ,કિલાદ કેમ્પ સાઈટ તથા દેવીનામાળ કેમ્પ સાઈટનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 13 મિમી,સુબિર પંથકમાં 26 મિમી અર્થાત 1.04 ઈંચ, આહવા પંથકમાં 51 મિમી અર્થાત 2.04 ઈંચ જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 79 મિમી અર્થાત 3.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..





