
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાળુ બેસી જતા ભુવો પડયો – ભારે ટ્રાફિકજામ સર્જાયો


ફોર લાઈન માં બે ટ્રેક પૈકી એ ટ્રેક પર વિસ્તૃતિકરણ નું કામ ચાલે છે જ્યારે એક જ ટ્રેક પર તમામ ટ્રાફિક ડાયવર્ટ કરાતા મોટી સમસ્યા ઉપસ્થિત થઈ છે
ઝઘડિયા તાલુકામાં હાલમાં મુલદ ચાર રસ્તાથી નાનાસાજા ફાટક સુધીના રોડ નું નવીનીકરણ થઈ રહ્યું છે, આ નવીનીકરણનું કામ વિધાનસભાના ઇલેક્શન સમયનો મંજૂર થયું છે પરંતુ ઇજારાદારની બેદરકારી અને વહીવટીતંત્રના મેળાપીપણા માં આ રોડનું કામ હજી ભોયતળિયામાં જ માથા મારે છે, આખો ટ્રેક ૩ ફુટ થી આઠ ફુટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે, બે ત્રણ માસ પહેલા શરૂ કરવામાં આવેલું કામ કશું થયું નથી તેમ જણાય છે ફકત માટી જ ઉલેચાઇ છે. જેના કારણે બે ટ્રેક પૈકી એક ટ્રેક પર આખો ટ્રાફિક છેલ્લા કેટલા મહિનાઓથી ડાઈવર્ટ કરવામાં આવ્યો છે, તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક પર જ્યાં બંને તરફનો ટ્રાફિક અવરજવર કરે છે તે ટ્રેક પર એક જૂનું નાળુ બેસી જતા ભુવો પડ્યો છે જેથી એક ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મુકી બંધ કરાયો છે, જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા ઉપસ્થિત થઈ છે, હાલમાં આ લખાય છે ત્યાં સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે, ઝઘડિયા તાલુકાની જનતા માટે અને ખાસ ભરૂચ અંકલેશ્વર તરફ નોકરી ધંધાર્થે અને ભણવા જતા વિદ્યાર્થીઓ માટે નાનાસાંજા ફાટક થી મુલદ સુધીનો રોડ છેલ્લા કેટલા વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહ્યો છે, છતાં પણ જવાબદાર વહીવટી તંત્ર અને ઇજારાદારનું પેટનું પાણી હાલતું નથી.
ઈરફાન ખત્રી
રાજપારડી





