GUJARAT

હાલારમાં ફાળવાશે સર્વેયર્સ-પાણી નહી ભરાય

*જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ*

*ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય, ધોવાણ થયેલા રસ્તાઓના રિપેરીંગની કામગીરી, કોલેરા અંતગર્ત આરોગ્ય વિભાગની કામગીરી, વૃક્ષારોપણ કરવું, વીજકનેક્શન સહિતના પ્રશ્નો સદર્ભે ચર્ચા કરી મંત્રીશ્રીએ ઝડપથી કામો પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા*

*સરકારશ્રી દ્વારા જિલ્લામાં જમીન માપણી માટે ૧૫ સર્વેયરની ફાળવણી કરવામાં આવી*

જામનગર (ભરત ભોગાયતા)

 

જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીઝાસ્ટરશાખા, આરોગ્ય વિભાગ, આયોજન વિભાગ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના વિભાગોની કામગીરી અંગે તેમજ તેને લગત આવેલા પ્રશ્નો અને રજૂઆતો સદર્ભે મંત્રીશ્રીએ ચર્ચા કરી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે અને હકારત્મક દિશામાં કામગીરી થાય તે પ્રકારે અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં જમીન માપણી અંગેના પ્રશ્નો અને રજૂઆતો સામે સર્વેયરોની ઘટ જણાતા સરકારશ્રી દ્વારા જિલ્લામાં જમીન માપણી માટે ૧૫ સર્વેયરની ફાળવણી કરવામાં આવી છે.

ડીઝાસ્ટર શાખા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૨૩.૮૫% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપુરમાં વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના ૯ ડેમોમાં ૫૦% ઉપર, તથા ૪ ડેમોમાં ૭૦%થી ઉપર સ્ટોરેજ છે. જિલ્લામાં વરસાદના કારણે ૩૨૨ ફિડરો બંધ થયા હતા જે તમામ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલ જામનગર શહેર ખાતે એસ.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વરસાદના કારણે જામજોધપુરમાં ૨૭ ઘેટાં બકરાઓના મૃત્યુ થયા હતા જેની સહાય ચૂકવી દેવામાં આવી છે. તેમજ જે રસ્તાઓમાં ધોવાણ થયું છે ત્યાં પેચવર્કની કામગીરી કરવા મંત્રીશ્રીએ લગત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

જામનગર જિલ્લામાં કોલેરાના કુલ ૯ કેસો નોંધાયા હતા. જેમાંથી ૭ જામનગર શહેરના અને બે અન્ય જિલ્લાના કેસો પૈકી જામનગર જિલ્લામાં સારવાર હેઠળ અન્ય જિલ્લાના કોલેરાગ્રસ્ત એક દર્દીનુ મૃત્યુ થયું છે. તેમજ એક દર્દી સારવાર હેઠળ છે જેની તબિયત સારી છે. અને ૭ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી લોકોને પાણીજન્ય રોગો વિષે માહિતગાર કરવા તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોની આજુબાજુમાં વૃક્ષારોપણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ત્યારબાદ મંત્રીશ્રીએ વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધીકારીશ્રી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીને નાગરિકો તરફથી આવેલ રજૂઆતો અને પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે પ્રશ્નોમાં વનવિભાગ દ્વારા ધૂંવાવ નદીની પાછળની બાજુએ સફાઇ કરવી, ધ્રોલ શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણીના પ્રશ્નો, ભારે વરસાદના પરિણામે લાલપુર તાલુકાના રસ્તાઓ ધોવાણના લીધે ખરાબ થઈ જતાં રિપેરિંગની કામગીરી, સમાણા-મેમાણા ફિડર અલગ કરવું, પી.જી.વી.સી.એલ.ને લગત પ્રશ્નો, પીપરના પાટિયા પાસે પ્લોટ ફાળવણી અંગેની રજૂઆત અંગે ચર્ચા વિચારણા કરી લોકોની રજૂઆતોનું સુખદ સમાધાન લાવવા માટે મંત્રીશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, નાયબ વન સંરક્ષકશ્રી આર.ધનપાલ સહિત વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

+++++++++++

bgbhogayata

journalist

8758659878

Back to top button
error: Content is protected !!