NEET UG કાઉન્સિંલિંગ પ્રક્રિયા આગળના આદેશ સુધી સ્થગિત કરવામાં આવી
દેશમાં ચર્ચિત નીટ પરીક્ષામો મુદ્દો શમવાનું નામ જ નથી લઈ રહ્યો. નીટ પરીક્ષા મામલે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે. NEET UG કાઉન્સિંલિંગ પ્રક્રિયા આજથી એટલે કે, 6 જુલાઈ 2024થી શરૂ થવાની હતી. હવે કાઉન્સિંલિંગ પ્રક્રિયા આગળના આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીઓ 8 જુલાઈએ NEET UG પર સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવા માંગે છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીઓ 8 જુલાઈએ સર્વોચ્ચ અદાલતમાં થનાર અનેક અરજીઓ પરની સુનાવણી બાદ કોઈ નિર્ણય લેવા ઈચ્છે છે. 5મી મેના રોજ યોજાયેલી NEET UG પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતી અનેક અરજીઓ હાલ સુપ્રીમ સમક્ષ પેન્ડિંગ છે.
અગાઉ, NEET UG પેપર લીક અને અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને, NEET UG કાઉન્સિંલિંગ પર પ્રતિબંધ મૂકવા માટે પહેલા 11 જૂન અને પછી 20 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બંને વખત કોર્ટે કાઉન્સિંલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. બેચે કહ્યું હતું કે અમે આવું નથી કરવા ઈચ્છતા. જો પરીક્ષા ચાલુ રહેશે તો કાઉન્સિંલિંગ પણ ચાલુ રહેવી જોઇએ, ચિંતા ન કરો.
હવે 8મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવાઈ રહી છે. લગભગ અઢી મહિનાના ઉનાળા વેકેશન બાદ 8મી જુલાઈથી સુપ્રીમ કોર્ટનું સામાન્ય કામકાજ ફરી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન, ઘણા વિદ્યાર્થીઓ અને કોચિંગ સંસ્થાઓએ NEET UG પરિણામ 2024 સામે અરજી કરી છે.
દેશની વિવિધ કોર્ટ સમક્ષની કેટલીક અરજીઓમાં અરજદારોએ પેપર લીકનો આક્ષેપ કર્યો છે જ્યારે કેટલાકે સમગ્ર પરીક્ષા રદ કરવા અને મેડિકલ પ્રવેશ પરીક્ષા ફરીથી યોજવા વિનંતી કરી છે. કેટલીક અરજીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કામગીરીની તપાસની માંગ કરી છે.
મહત્વનું છેકે, NTAએ નિર્ધારિત તારીખ (14 જૂન 2024)ના 10 દિવસ પહેલા 4 જૂનના રોજ NEET UG પરિણામ જાહેર કર્યું હતું. તે જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો પણ આવ્યા હતા. 67 ટોપર્સ જાહેર કર્યા બાદ NTA વિવાદમાં આવી હતી. બાદમાં NTAએ ગ્રેસ માર્કસ રદ કર્યા અને 1563 ઉમેદવારો માટે 23 જૂને NEET રી-એક્ઝામ હાથ ધરવામાં આવી હતી.