GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મહોરમના તહેવાર નિમિત્તે રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં પૂર્વમંજૂરી વિના તાજીયા જૂલુસ કાઢવા પર પ્રતિબંધ

તા.૮/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

તાજીયામાં લોખંડના સળીયા-વીજળી વહન થતી હોય તેવા પદાર્શો ના વાપરવા: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૧૬થી ૧૭ જુલાઈ દરમિયાન મહોર્રમ (તાજીયા)ની ઉજવણી થનાર છે, ત્યારે આ તહેવારની ઉજવણી સરળતાથી થઈ શકે અને કોઈ અકસ્માત કે દુર્ઘટના ના સર્જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ. ગાંધી દ્વારા રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૧૮મી જુલાઈ સુધી પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતું જાહેરનામું જારી કરાયું છે.

જે મુજબ, બેઠક સહિત નવ ફૂટ કરતા વધુ ઊંચાઈના તાજીયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ છે. તાજીયામાં લોખંડના સળીયા કે વીજળી વહન થતી હોય તેવી કોઈ અન્ય વસ્તુ કે પદાર્થનો ઉપયોગ કરવો નહીં. સક્ષમ સત્તાધિકારીની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તાજીયાના જૂલુસ કાઢવા નહીં. મંજૂરીમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નીકળવું નહીં. મંજૂરીમાં દર્શાવેલી સમયમર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે.

તાજીયાના રૂટ પરથી પસાર થતાં સમયે તે વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને કોઈપણ પ્રકારે અડચણ કે ત્રાસ કે નુકસાન કે લોકોના જાન કે સ્વાસ્થ્યની સલામતીને નુકસાન થાય તેવું કૃત્ય કરવું નહીં.

કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિહ્નો કે નિશાનીવાળા તાજીયા બનાવવા, ખરીદવા કે વેચાણ કરવા, કે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય એવું કોઈ વર્તન કરવું નહીં.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જી.સી.પી.સી.ના જાહેરનામા મુજબ, રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા પર લગાવાતા પબ્લિક સ્ટોલ પાસે કચરા પેટી રાખવાની તથા સફાઈ કરાવવાની અલાયદી વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે. તાજીયામાં લાઇટિંગ (બલ્બ ડેકોરેટિવ ફિટિંગ સિરિઝ લાઇટ વિ.)નો ઉપયોગ કરવામાં આવે, તેનં વાયરિંગ ખુલ્લું રાખવા ઉપર પ્રતિબંધ તેમજ હયાત ચાલુ વીજલાઈનને કોઈપણ ધાતુના પદાર્થ કે લાકડાની કેચી (બામ્બુ) વડે ઊંચા કરવા પર પ્રતિબંધ છે. તાજીયાના રૂટ પર આવતા લાઈટના પોલ વીજવાયર થાંભલા તેમજ વાયરિંગને નુકસાન થાય તેવા કૃત્ય કરવા નહીં.

રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ સિવાય જિલ્લા-ગ્રામ્યમાં આ જાહેરનામું ૧૮મી જુલાઈ સવારે ૬-૦૦ કલાક સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!