હાલારમાં વ્યાજના વિષચક્ર અંગે વધુ ચાર ગુના

જામનગર જીલ્લામાં કાલાવડ-લાલપુરમાં પણ વ્યાજખોરીના કેસ
એક આહિર પરીવાર હોમાયા બાદ બીજા પણ ચાર ગુના નોંધાતા ચકચાર
જામનગર(ભરત ભોગાયતા)
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી ની પ્રવૃત્તિને ડામી દેવાના ભાગરૂપે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર ના એસ. પી. પ્રેમસુખ ડેલૂ દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં લોક દરબાર યોજીને વ્યાજખોરી કરનારા તત્વોને ઝેર કરવા માટે કમર કસવામાં આવી છે, અને પોલીસ તંત્ર દ્વારા લોકોને ફરિયાદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.જેના અનુસંધાને જામનગર જિલ્લામાં વ્યાજ વટાવની પ્રવૃત્તિ સંબંધી ચાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં પ્રથમ ફરિયાદ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી જેમાં જામનગરમાં રહેતા નવલસિંહ સરદારસિંહ પરમાર નામના 44 વર્ષના યુવાને ઇન્દ્રજીતસિંહ રામદેવસિંહ જાડેજા નામના એક વ્યાજખોર સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જેને એક લાખ પચાસ હજાર રૂપિયા સાત ટકાના દરે આરોપી પાસેથી વ્યાજે લીધા હતા, અને કટકે કટકે 3,67,000 રૂપિયા ચૂકવી દીધા છતાં હજુ વધુ દોઢ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી ધાકધમકી અપાતાં અને ચેક રિટર્ન કરાવી લેતાં આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ઇન્દ્રજીતસિંહ જાડેજા સામે વ્યાજખોરિ અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.
વ્યાજખોરિ અંગેનો બીજો બનાવ જામનગર માં ધરારનગર વિસ્તારમાં બન્યો હતો. જયાં રહેતા ઈસ્માઈલ ઇબ્રાહીમભાઇ નામના 34 વર્ષના વાઘેર યુવાને બેડી વિસ્તારના કુખ્યાત સાઈચા બંધુઓ પૈકીના ઇશાક હારુનભાઈ સાયચા સામે ગેરકાયદે વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેણે આરોપી પાસેથી પાંચ હજાર રૂપિયા 10 ટકા લેખે વ્યાજે લીધા હતા જેના ત્રણ ગણા એટલે કે 15,000 રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ ની માંગણી કરાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. વ્યાજ વટાવની પ્રવૃતિ સંબંધી ત્રીજો ગુનો કાલાવડ માં નોંધાયો છે. કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ મનસુખભાઈ વાઘેલા નામના 35 વર્ષના કોળી યુવાને કાલાવડ ના કનકસિંહ બંનેસિંહ ચૌહાણ સામે ગેર કાયદે રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જેણે પોતાની જરૂરિયાત માટે 30,000 રૂપિયા વ્યાજે લીધા હતા તેનું દર મહિને 45,000 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો, અને 75,000 રુપીયા આપી દીધા છતાં તેની પાસેથી મોટરસાયકલ આ આંચકી લીધું હતું. ત્યારબાદ 3,68,500 ની રકમનો બળજબરીપૂર્વક ચેક લખાવી બેન્કમાંથી રિટર્ન કરાવી લીધો હતો. જે મામલે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વ્યાજ પટાવની પ્રવૃતિ અંગે ચોથો ગુનો લાલપુર પોલીસ મથકમાં નોંધાવાયો છે. લાલપુરમાં મેઇન બજાર વિસ્તારમાં રહેતા ઈરફાનમિયાં કાદરી નામના યુવાને લાલપુરમાં તબેલા શેરીમાં રહેતા સાજીદ ઇકબાલભાઈ શમાં સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેણે આજથી દોઢ વર્ષ પહેલા 1,000 રૂપિયા લીધા હતા, અને તેનો પ્રતિદિન 100 રૂપિયા લેખે માસિક 30 ટકા નું વ્યાજ ચૂકવી દીધું હતું, તેમ છતાં વધુ વ્યાજ અને મૂળ રકમ ની માંગણી કરાતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.





