વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામમાંથી 181 પર એક મહિલાએ કોલ કરી જણાવ્યુ હતુ કે મારા પતિ ઘરે આવીને મારઝુડ કરે છે,જેથી 181 મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે.કોલ મળતાની સાથે તુરંત જ 181 મહિલા અભયમ ટીમનાં નેહા મકવાણા તેમજ મંગલાબેન ઘટના સ્થળ પર પહોંચ્યા હતા,જ્યા જઈને પીડિત મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ હતુ કે તેઓના પતિને દારૂનું વ્યસન છે તેમજ ઘરે આવીને તું કોઈ બીજા પુરુષને મળે છે,તેવી શંકા કરીને મારી સાથે મારઝુડ કરતો હતો, તેમજ ખરાબ શબ્દ બોલીને અપમાન કરતો હતો,જેથી પીડિત મહિલાની વાત સાંભળીને તેઓના પતિનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યુ હતુ કે તેઓ આખો દિવસ ઘરે રહેતા નથી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.જ્યા તેઓ બીજાની વાતોમાં આવીને તેઓ પત્નીને મારઝુડ કરતા હતા.જેથી 181ની ટીમે પીડિત મહિલાના પતિને સમજાવેલ કે તેઓ કોઇ બીજાની વાતોમાં ન આવે.અને ઘરેલુ હિંસા 2005 અધિનિયમ પણ સમજાવેલ હતો.ત્યારબાદ પીડિત મહિલાના પતિએ બાંહેધરી આપી હતી કે આજ પછી તેઓ પોતાની પત્ની ઉપર હાથ નહીં ઉપાડે અને પીડિત મહિલા આગળની કાર્યવાહી કરવા ન માંગતા હોવાથી પતિ-પત્નીનો ઘર સંસાર તૂટે નહીં તે રીતે 181 મહિલા અભયમ ડાંગની ટીમે સુખદ સમાધાન કરાવેલ હતુ.જેથી પીડિત મહિલાએ તેમજ તેમના પતિએ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..