AHAVADANG

Dang: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત શ્રેણીબદ્ધ આરોગ્યલક્ષી બેઠકો યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને માતા અને બાળ મૃત્યુના કેસોમાં, અસરકારક કાઉન્સેલિંગ અને ટ્રેકિંગ ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરવાની, ઇન્ચાર્જ કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ હિમાયત કરી છે.

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ કરતા શ્રી ચૌધરીએ, સંસ્થાકીય સુવાવડ સહિત મજૂરી અર્થે ગામ બહાર જતા સગર્ભા કે ધાત્રી માતાઓના ફોલોઅપની કામગીરીને વધુ સઘન બનાવી, જિલ્લામાં માતા અને બાળ મૃત્યુને રોકવાની અપીલ કરી હતી. કેટલાક સંવેદનશીલ કેસોમાં સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરી પણ આવકારદાયક છે તેમ જણાવી શ્રી ચૌધરીએ, જોખમી કેસોમાં પરસ્પર સંકલન અને સહયોગ સાથે ૧૦૮ની સેવાનો મહત્તમ લાભ લઇ, અમૂલ્ય માનવ જીવન બચાવવાની અપીલ કરી હતી.

એસ્પીરેશનલ બ્લોક સુબિરમાં નિયત સેવા અને સુવિધાઓની અસરકારકતા વધારવા સાથે ઇન્ચાર્જ કલેકટરશ્રીએ, સૌને પ્રો એક્ટિવ અભિગમ સાથે કાર્ય કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત જિલ્લાની તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ કમિટિ, ક્વોલિટી મેનેજમેન્ટ, ટી.બી.ફોરમ, આરસીએચ અને એનએચએમ પ્રોગ્રામ, રસીકરણ કાર્યક્રમ, કુટુંબ નિયોજન, કુપોષણ, રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ, વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો, અન્ધત્વ નિવારણ કાર્યક્રમ, હિપેટાઇટિસ બી અને સી, સંચારી રોગ, અને સિકલસેલ કાર્યક્રમ જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર સંભાળતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિતે, જિલ્લાની આરોગ્યલક્ષી બાબતોથી સમિતિ અધ્યક્ષશ્રી તથા સભ્યોને વાકેફ કર્યા હતા. અસરકારક સેવા સુશ્રુષાની પ્રતિબદ્ધતા સાથે ડો.ગામિતે, જિલ્લાના આરોગ્યકર્મીઓને પૂર્ણ સંવેદના સાથે પ્રજાજનોના આરોગ્યની દેખભાળ કરવાની અપીલ કરી હતી.

બેઠકમાં સમિતિ સભ્યો સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, અને આશા થી લઇ એમ.ઓ. સુધીના આરોગ્યકર્મીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, સિવિલ સત્તાવાળાઓ વિગેરેએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!