
*‘ધરતીના સ્વાસ્થ્ય’માં સુધારાની સાથે સાથે ‘માનવ સ્વાસ્થ્ય’માં પણ સુધારો લાવતી “પ્રાકૃતિક ખેતી”*
૦૦૦૦૦
*ઘર આંગણે બીજામૃત બનાવી, ખેતીના ખર્ચમાં ઘટાડો કરી મેળવો વધુ ઉત્પાદન, વાવણી કરતા પહેલા આપો – બીજામૃતનો પટ*
૦૦૦૦૦
*પાંચ લાઈનમાં બીજામૃતનો પટ ન આપીને જાતે જ કરો સરખામણી*
૦૦૦૦૦
*‘ફેમીલી ડોક્ટર’ની જેમ ‘ફેમીલી ફાર્મર’ પણ હોય તે આજના સમયની તાતી જરૂરિયાત*
હાલ ચોમાસા દરમિયાન જિલ્લામાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવશે. ખેડૂત મિત્રો! શું તમે જાણો છો? વાવણી કરતાં પહેલા બીજને પટ આપવો એટલે કે બીજની માવજત બહુ જ જરૂરી છે. તેના માટે બીજામૃત અતિ ઉત્તમ છે. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે મહત્તમ હાલારવાસીઓ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવે તે ઇચ્છનીય છે. રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરે છે જયારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે, તેમજ પર્યાવરણને પણ અનુકુળ બનાવે છે.
આધુનિક કૃષિને પ્રોત્સાહન મળે અને ખેડૂતો અવનવી ટેકનોલોજીથી વાકેફ થઈ શકે તે માટે “એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી – આત્મા પ્રોજેક્ટ” કાર્યરત છે. જામનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી.એમ.આગઠે જિલ્લાના ખેડૂતોને રસાયણિક કૃષિના બદલે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરતા જણાવાયું હતું કે, ‘પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતામાં ઉતરોત્તર વધારો થાય છે. આ ખેતીના પરિણામો સંતોષકારક મળી રહ્યા છે.કોઈ પણ ઉત્પાદનના સારા પરિણામો મેળવવા માટે દરેક ખેડૂતોએ બીજને વાવતા પહેલાં બીજામૃતનો પટ આપવો જરૂરી છે. આ રીતે માવજત થયેલા બિયારણોની વૃદ્ધિ જલ્દી અને સારી રીતે થઈ શકે. તેમજ બીજામૃતથી જમીન જન્ય રોગ તથા જીવાતો સામે ઝઝૂમવાની છોડને તાકાત મળે છે. આથી બીજામૃતનો પટ આપ્યા બાદ બિયારણનું વાવેતર કરવું જરૂરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો આડેધડ વપરાશ થવાના કારણે માણસ સહિત સમગ્ર જીવસૃષ્ટિમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ પૃથ્વી, પાણી અને પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. આ રસાયણોની આડઅસરમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોને દેશી ગાયના ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત જેવા ઘટકો ઘર આંગણે બનાવી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તે આવશ્યક છે, જેથી ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય. જે રીતે ‘ફેમીલી ડોક્ટર’ હોય તેવી જ રીતે ‘ફેમીલી ફાર્મર’ પણ હોય તે આજના સમયની તાતી જરૂરિયાત છે, જેથી લોકોને સાત્વિક અને શુદ્ધ ખોરાક મળી રહે. આમ, પ્રાકૃતિક ખેતીએ ‘ધરતીના સ્વાસ્થ્ય’માં સુધારાની સાથે સાથે ‘માનવ સ્વાસ્થ્ય’માં પણ સુધારો કરશે.
*જાણો ઘરઆંગણે બીજામૃત બનાવવાની પદ્ધતિ:*
૨૦ લી. પાણીમાં ૦૫ કિલો દેશી ગાયનું ગોબર ,પાંચ લી. ગૌમૂત્ર, ૫૦ ગ્રામ ફોડેલો ચૂનો અને મુઠ્ઠી વડ કે પીપળા નીચેની ભીની માટી. આ તમામ સામગ્રી પ્લાસ્ટિકની ડોલમાં ભેગી કરી, મિશ્ર કરી બરાબર હલાવો. એક દિવસ પછી એટલે કે ૨૪ કલાક બાદ બીજને પટ આપવા માટે આ જીવામૃત તૈયાર થઈ ગયું કહેવાય. બીજને પટ આપ્યા બાદ છાંયડે સુકાવા દેવું. બીજામૃતનો જ્યારે પટ આપવાનો હોય ત્યારે બરાબર હલાવવું ત્યારબાદ ઠરવા દેવુ. ઉપરથી ઠરેલ પ્રવાહી બીજામૃતનો ઉપયોગ પટ આપવા માટે કરવો. રસાયણિક પદ્ધતિ અને પ્રાકૃતિક પદ્ધતિની સરખામણી કરી શકાય તે માટે પાંચ લાઈનમાં કપાસને બીજામૃતનો પટ આપવો નહીં, જેથી પરિણામનું અવલોકન કરી શકાય તેમ એક વિશીષ્ટ અહેવાલમાં જામનગર જીલ્લા માહિતી કચેરીના અધીકારી વિરેન્દ્રસિંહ પરમાર એ જણાવ્યુ છે
0000000






