Rajkot: રાજકોટ મહાનગરમાં રોગચાળા અટકાયત માટે એક સપ્તાહમાં એક લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી

તા.૧૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની કામગીરી
ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકવા ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું
Rajkot: ચોમાસામાં વકરતા રોગચાળા સામે રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાએ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં એક સપ્તાહમાં એક લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે કે, ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૮/૦૭/૨૪ થી તા.૧૪/૦૭/૨૪ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની ૩૬૦ ટીમો દ્વારા ૧,૦૭,૩૦૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૪૧૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ડેન્ગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૯૩ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવ્યો છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૩૬૩ અને કોર્મશીયલ ૨૫૭ આસામીને નોટીસ આ૫વામાં આવી તથા રૂા.૫૬,૦૦૦નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.






