MORBI:ખિસ્સું જ નહીં, કર્મને પણ મોટું કરો લેખક -વિજય દલસાણિયા
MORBI:ખિસ્સું જ નહીં, કર્મને પણ મોટું કરો લેખક -વિજય દલસાણિયા
ઉગવું અને ડૂબવું એ જીવનનું સનાતન સત્ય છે. જ્ન્મથી માંડી મૃત્યુ સુધીની સફરમાં કેટલાક ખરેખર જીવે છે, કેટલાક જીવે છે અને કેટલાક જીવતા જ નથી :, આ ત્રણ જીવનના સત્યો છે. આ સફર પુર્ણ ત્યાં કેટલાક જીવન મર્મને સાચા અર્થમાં સમજે છે, જ્યારે કેટલાક સમજ્યા વગર એક અવિરત યંત્રની માફક દોડ્યા જ કરે છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ જીવમાં ઉત્તમ જીવ એટલે મનુષ્ય જીવ છે. ! માણસ એ પોતાના કર્મ થતી જ પોતાના જીવનને અમરત્વ બક્ષવાનું કાર્ય કરવાનું હોય છે. જન્મની સાથે જ માણસનું મૃત્યુ પણ નક્કી થઈ જતું હોય છે. શ્રીમદ્ ભગવદગીતામાં પણ લખ્યું છે” માણસને તેમના કર્મથકી જ, પછી તે સારું કે ખરાબ તેના આધારે તેનું ફળ અવિરત તેમને મળતું જ રહે છે.” મનુષ્યના જીવનમાં પરિવર્તન પણ તેમના કર્મના આધારે થતું રહે છે.
આજનો માણસ ભૌતિક સુખ સુવિધાને ભોગવવામાં જ પોતાનું જીવન માનતો હોય અને આર્થિક સંપાદન માટે સતત દોડતો રહે છે. જીવનમાં સંપત્તિની અનિવાર્યતા છે. જીવનના વ્યવહારોને પૂર્ણ કરવા માટે એ અનિવાર્ય માધ્યમ છે એ સર્વથા સ્વીકાર્ય બાબત છે. જીવનભર સંપતિને જ વળગી રહેવું ખિસ્સું જ મોટું જ કર્યા રાખવાની સાથે સાથે સત્કર્મને પણ ભૂલવું એ પણ યોગ્ય નથી. જેમણે સંપત્તિની સાથે કર્મને પણ પોતાના જીવનમાં પ્રાધાન્ય આપ્યુ છે, તેમનું જીવન આજના હજારો વર્ષ પછી પણ આજના માણસને પ્રેરણાદાયી બની રહ્યું છે. તેમના વિચારો, તેમના કાર્યો, તેમના સત્કર્મો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આનું નામ જ જીવનની સાચી સાર્થકતા છે. ઇતિહાસ બોલે છે, એવા મહાત્માઓ,વીર પુરુષો જેમણે પોતાના જીવનમાં ફક્ત સંપત્તિને જ મહત્વ આપ્યું છે તેવા માણસોને જીવનના આખરી સમય એ સત્ય સમજાયું અને કોઈને કોઈ સંકેત રુપે માણસને સંપતિની વ્યર્થતા સમજાવી જાય છે. કારણ કે સંપતિ આખરે સ્થુળ છે. જ્યારે કર્મ સૂક્ષ્મ છે. એટલે જ કર્મની મહાનતાને સમજવી જોઈએ .કર્મ એ આ દુનિયાની સર્વશ્રેષ્ઠ શક્તિ છે. જે ક્યારેય નાશ પામતી નથી. સમયનું પણ તેના પર આધિપત્ય નથી. આ એક જ એવું કાર્ય છે કે જે માણસ પોતાની સાથે લઈને જાય છે. સાથે પોતાના વિચારો, કરેલા સત્કર્મો થકી આ દુનિયામાં હજારો વર્ષ સુધી જીવિત રહે છે. ખિસ્સું ગમે તેટલું મોટું કરો , આખરે તો અલવિદા જ કહી દેવાનું! કારણ કે લાશને તો ખીસ્સું હોતું નથી. પોતે ભેગું કરેલું પોતાના માટે તો કશું કામનું નહિ. જીવનના અંત સમય એ માણસ પોતાના કર્મનો વિચાર કરે કે, પોતાના માટે શું કર્યુ ત્યારે અફસોસ સિવાય કશું જ સાથે જતું નથી.ઈતિહાસ બોલે છે કે , ડાકુ રત્નાકરમાંથી મહાન વાલ્મીકિ ઋષિનું નિર્માણ થયું. આ સત્ય મહાન ગ્રંથ રામાયણનું નિર્માણ કરે, આ જ સૂચવે છે કે માણસે ગમે તેટલી સંપત્તિ ભેગી કરે પણ એ બીજા માટે જ, પોતાના માટે કશું જ નહીં. પોતાના માટે તો પોતે કરેલું કર્મ જ પોતાની સાથે આવે છે. ગમે તેટલી સંપત્તિ ભેગી કરો સાહેબ! આખરે તો સાથ આપે છે તમારું કરેલું કર્મ જ. મહાન સમ્રાટ સિકંદર એ પણ છેલ્લે પોતાના બંને હાથ બહાર રાખવાનું સૂચન કરેલું. એ પણ એ જ સૂચવે છે કે આખરે સંપત્તિ નહીં, પણ પોતે કરેલા કાર્ય , પોતે કરેલું સત્કર્મ પોતાની સાથે આવવાનું બાકી કશું જ નહીં.આવા તો અનેક ઉદાહરણો આપણને મળી રહે. નીતિ અને નિષ્ઠાથી એકત્રિત કરેલી સંપત્તિ એ આવકાર્ય છે, પણ બીજાના કાળજા તોડીને, નિસાસા નખાવીને મોટું કરેલું ખિસ્સું આખરે વિપતિ બનીને જ આવે છે. જીવનમાં સંપત્તિને ભેગી કરવી એ જરૂરી છે પણ સાથે સાથે કર્મ પણ એટલું જ જરૂરી છે. .એટલે જ કહેવાનું મન થાય કે, ખિસ્સું જ નહિ, કર્મને પણ મોટું કરો.
જે કંઈ પણ ભેગું કરીએ તે નીતિમતા, નિષ્ઠા, પ્રામાણિકતાથી કરીએ. સાથે સાથે કર્મને પણ મોટું કરીએ. આપણી ફરજને બરાબર વફાદાર રહીએ. આપણાં જન્મને સાર્થક કરીએ કારણ કે માણસનું કર્મ જ માણસને અમર બનાવે છે. જે હજારો વરસો સુધી આ દુનિયામાં પોતાની હાજરી પૂરાવે છે. જેને કોઈ નાશ કરી શકતું નથી.