
તા. ૧૭.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે ઇમામ હુસેનની યાદમાં અને કરબલા ના શહીદોની યાદમાં મોહર્મનો પર્વ ઉજવવામાં આવે છે
મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે.આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.કરબલાની મહાન દુ:ખદ ઘટના આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી.પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેન પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે.કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત,જે અત્યાચારોની વિરુદ્ધ અને સરચાઇની સમર્થક છે,તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.૧૦મી મોહરમે તમામ સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યઝીદના લશ્કરનો મુકાબલો કરતાં-કરતાં શહીદ થઇ ગયા.નિકટના કુટુંબીજનોમાં બત્રીસ વર્ષના જુવાનજૉધ ભાઈ, નવજુવાન હજરત અબ્બાસ હતા. તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા,જેથી નાનાં-બાળકોની તરસ મિટાવી શકે,જે તંબુમાં તરફડી રહ્યાં હતાં. હજરત બંને હાથ કપાવીને શહીદ થઇ ગયા.જનાબે હુસેનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઇને યાદગાર શહાદત મૂકી ગયા.મોટાભાઈ હજરત ઇમામ હસનના જુવાન પુત્ર હજરત કાસિમ પણ શહાદત પામ્યા. તેમની બહેન હજરત ઝયનબ (ઝેનબ)ના બંને નવજુવાન ફરજંદો યઝીદી ફોજ સાથે લડતાં-લડતાં શહીદ થઇ ગયા.છ મહિનાના નાનકડા ફરજંદ અલી અસગરની તરસ અને સાત તીર લાગવાથી આ બાળકની શહાદત, એક એવી ઘટના છે,જે કોઇ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે કાફી થઇ શકે છે.તેમની શહાદતની મહાનતાનું આ એક મહાન દૃષ્ટાંત છે,જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઇ રહી છે.જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે.આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે





