
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ, સુબિર, સાપુતારા સહિતના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા સંતાકૂકડી કરતા જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તાર વરસાદ વિના સાવ કોરોકટ જોવા મળે છે. જેના કારણે ડાંગરની રોપણી કરતા જગતના તાતની ચિંતામાં વધારો થવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ, સુબિર, સાપુતારા સહિત પૂર્વપપટ્ટી અને સરહદીય પંથકોમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા સંતાકૂકડી રમી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.ડાંગ જિલ્લાના વિસ્તારોમાં ક્યારેક ઝરમરીયો વરસાદ તો ક્યારેક સમગ્ર પંથક વરસાદ વિના કોરકટ બનતા ડાંગરની રોપણી કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.હાલમાં ચાલુ સીઝનમાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ ન પડતા પાણીનાં સ્તરમાં વધઘટ જોવા મળે છે.વધુમાં ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે.ચોમાસાની ઋતુમાં દૂર દૂરથી પ્રવાસીઓ ડાંગ તરફ દોટ મૂકે છે.ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે.ત્યારે હાલમાં વરસાદ થંભી જતા વઘઇ કિલાદ કેમ્પ સાઈટ,ગીરા ધોધ વઘઇ, બોટનીકલ ગાર્ડન વઘઇ,દેવીનામાળ કેમ્પ સાઈટ,પાંડવ ગુફા,શબરી ધામ,ભેગુ ધોધ,ગિરિમથક સાપુતારા, ડોન હિલ સ્ટેશન, મહાલ કેમ્પ સાઈટ,ગિરમાળનો ગીરા ધોધ,સહિત અન્ય જોવાલાયક પ્રવાસન સ્થળો આહલાદક બનવાની સાથે નિખરી ઉઠ્યા છે.અહી વરસાદ થંભી જતા પ્રવાસીઓનો કલરવ વધ્યો છે.હાલમાં ડાંગ જિલ્લાનાં આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિત સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે. જેમાં ખાસ કરીને ગિરીમથક સાપુતારા ખાતે ઝરમરીયા વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોએ રમણીય દ્રશ્યો સર્જાયા હતા.વરસાદને પગલે ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યમાં વધારો થતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલમાં કુદરતી આહલાદક દ્ર્શ્યો નિહાળીને પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. જોકે વરસાદને પગલે જિલ્લાના નદીનાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ જોખમી રીતે વાહન પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી જ પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજા માટે સુરક્ષા ના હેતુથી સેલ્ફી જેવા અશિસ્ત કાર્યો પર પ્રતિબંધ લગાવ્યો છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 02 મિમી, સુબિર પંથકમાં 19 મિમી,જ્યારે આહવા અને વઘઇ પંથક વરસાદ વિના કોરાકટ જોવા મળ્યા હતા..





