NATIONAL

ગુજરાતમાં ચાંદીપુરા, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી તેના કારણે 27 લોકોના મૃત્યુ થયા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ ત્રણ અલગ અલગ વાયરસને કારણે આ રાજ્યોની હેલ્થ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે.
નિપાહ વાઈરસ એ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતું સંક્રમણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, તે મનુષ્યો તેમજ પ્રાણીઓને ગંભીર અસર કરી શકે છે. તેને ચામાચીડિયા અને ડુક્કરમાં સૌથી વધુ ચેપી માનવામાં આવે છે. કેરળમાં ફરી એકવાર આ વાયરસનો પ્રકોપ વધવા લાગ્યો છે. તાજેતરનો કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે.
આ તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.
આ તરફ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઝીકાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી પુણેમાં 19 જુલાઈ સુધી 28 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર આ વાયરસના પ્રકોપને રોકવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ આ ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ઝીકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે.

Back to top button
error: Content is protected !!