યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો

યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. ડોક્ટરોના વિવિધ સંઘો દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપતા દિલ્હી હાઇકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હકિકતમાં, દિલ્હી હાઇકોર્ટે બાબા રામદેવને કોરોનાથી થતાં મોત માટે એલોપેથીને જવાબદાર ઠેરવતા તેમજ કોરોનિલને કોરોનાના ઉપચાર તરીકે સમર્થન આપતા દાવાઓને પરત લેવા નિર્દેશ આપ્યો છે, તેમજ ત્રણ દિવસમાં જ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ મામલે સંબંધીત પોસ્ટ ડિલિટ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે બાબા રામદેવને ત્રણ દિવસની અંદર પોતાના દાવાઓને પરત લેવા જણાવ્યું છે, ઉપરાંત કોર્ટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ આ મામલે સંબંધિત વિવિધ પોસ્ટ ત્રણ દિવસમાં હટાવી દેવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, કોરોનિલને કોરોના મહામારીનો ઉપચાર ગણાવતાં યોગ ગુરુ બાબા રામદેવના દાવા વિરૂદ્ધ વિવિધ ડોક્ટર સંગઠનોએ બાબા રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલી આયુર્વેદ વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ડોક્ટર સંગઠનોએ દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, બાબા રામદેવ દ્વારા વેચાયેલા પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઇરાદાપુર્વક કોરોનિલને કોરોના મહામારીનો ઉપચાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, 27 ઓક્ટોબર 2021ના રોજ કોર્ટે આ મુદ્દે બાબા રામદેવ સહિત અન્ય લોકોને સમન્સ પણ પાઠવ્યા હતા.
				

