કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન 63 લોકોના મોત

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામ મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ધોવાઈ ગયા હતા.નદીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ… કેરળના વાયનાડમાં આ તબાહીના દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી.
મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે ફરી એક વખત ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ મૃત્યુઆંક વધુ વધી શકે છે. કેરળના મુખ્ય સચિવ વી વેણુએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલન ઉપરાઉપરી બેથી ત્રણ વખત થયું જેનાથી ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પાડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે આ બાબતો પર નજર રાખી રહ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે.
દુર્ઘટનાની ગંભીરતા જોતા સેનાને બચાવ કામગીરીની વિનંતી કરાઈ હતી. હાલ 4 ટુકડીઓ દ્વારા રાહત બચાવ કામગીરી ચાલુ છે. તેમાં 122 ઇન્ફન્ટ્રી બટાલિયન (ટેરિટોરિયલ આર્મી)ની બે ટુકડીઓ અને કન્નુરમાં ડીએસસી સેન્ટરની બે ટુકડીઓનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી માટે અત્યાર સુધી તૈનાત સૈનિકોની કુલ સંખ્યા લગભગ 225 છે, જેમાં તબીબી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને પગલે નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઈમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના કરવામાં આવ્યા છે.




