“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિ રેલી યોજાઈ

સાયબર ક્રાઇમ વિષે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વ-રક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો,પાલનપુર)
ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે તા. ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પીટલથી જિલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મહિલા અને બાળ અધિકારીશ્રી બી.કે.ગઢવી, સિવલ સર્જનશ્રી સુનિલભાઈ જોષીદ્વારા લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં કુંવર બા સ્કુલ, રાજીબા સ્કુલ સરસ્વતી વિદ્યાલય, સરકારી કન્યા શાળા, નર્સિંગ કોલેજ તેમજ NCC ટીમની વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલીમાં નારી શક્તિના પ્રચંડ નારાઓ લગાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ વિભાગ, જિલ્લા પંચાયતમાંથી આવેલ પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી શૈલેશભાઈ દ્વારા સાયબર ક્રાઇમ વિષે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વ-રક્ષણ દાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું.







