BANASKANTHAPALANPUR

આગથળા- ધુણસોલ- ધાનેરા રોડના વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામનો ખાતમૂહર્ત સમારોહ યોજાયો

રોડ અકસ્માતમાં કોઈના સ્વજન નું મૃત્યુ ન થાય તેની ચિંતા રાજ્ય સરકાર કરે છે:-અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી

 જિલ્લામાં ૫૦૦ કરોડથી વધુના વિકાસકામો  પ્રગતિ હેઠળ છે:- કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

 રાજસ્થાન થી દિલ્હી સુધી જતા હાઇવે માર્ગને જોડતા આ માર્ગથી બે લાખ લોકોને ફાયદો થશે: જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે

 (માહિતી બ્યુરો, પાલનપુર)

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં આજરોજ આગથળા ખાતે  આગથળા- ધુણસોલ- ધાનેરા રોડના વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામનો ખાતમૂહર્ત સમારોહ યોજાયો હતો. જેમાં અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ વિકાસકામોની તકતી અનાવરણ કરી જિલ્લાવાસીઓને વિકાસકામોની ભેટ અર્પણ કરી હતી.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૨૭ કિમી લંબાઇ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આગથળા- ધુણસોલ- ધાનેરા રોડની હયાત પહોળાઈ ૩.૭૫ મીટરને સિંગલ લેનમાંથી ડબલ લેન ૭ મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૪.૫૬ કરોડની મંજૂરી અપાઈ છે. આ રસ્તો આજુબાજુના દસથી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે. જેના થકી ખેડૂતો, પશુ પાલકો, વિદ્યાર્થીઓ સહિત બે લાખ લોકોને ફાયદો થશે. વધુમાં આ રસ્તો રાજસ્થાન થી દિલ્હી સુધી જતા હાઇવે માર્ગને જોડે છે જેથી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે.

ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જિલ્લાવાસીઓને અભિનંદન આપતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જિલ્લાના વિવિધ  વિકાસકામો માટે રાજ્ય સરકાર છુટ્ટા હાથે નાણાં આપી રહી છે. રોડ અકસ્માતમાં કોઈનો લાડકવાયો ન છીનવાય એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે. જિલ્લામાં પાણીના તળ ઊંડા ઉતર્યા હોવા બાબતે અને જમીનની ફળદ્રુપતા ઘટી હોવા અંગે ચિંતા વ્યક્ત કરતાં અધ્યક્ષશ્રીએ જળસંચય અને વૃક્ષારોપણ પર ભાર મુક્યો હતો. અને જમીનની જીવંતતા સાચવવા પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી. અધ્યક્ષશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના  ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા જિલ્લાવાસીઓ અનુરોધ કર્યો હતો. વધુમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ધરતીને પુનર્જીવિત કરવા માટે જાપાન જર્મનીના સહયોગથી આગામી સમયમાં થરાદ ખાતે અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે. જેનાથીખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે.

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, રાજયનું બજેટ કદ આજે છવ્વીસ હજાર કરોડથી વધી ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ થયું છે જેનો લાભ બનાસકાંઠા જિલ્લાને પણ મળ્યો છે. આજના દિવસે ૫૦૦ કરોડથી વધુના વિકાસકામો જિલ્લામાં પ્રગતિ હેઠળ છે. અનેક ક્ષેત્રે જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં છેવાડાના માનવી સુધી વિકાસકામો પહોંચ્યા છે. બનાસકાંઠા જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય અને  પાણીદાર બને એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણે રોડ રસ્તાઓ રાષ્ટ્રની સંપત્તિ છે તેની જાળવણી અને જતન એ આપણી નૈતિક ફરજ છે  એમ જણાવી રોડ રસ્તાઓની જાળવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. જ્યારે ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈએ ધાનેરા, રાજસ્થાન અને દિલ્હીને સાંકળતા આ મુખ્ય માર્ગથી આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!