નર્મદા જિલ્લાના સાગબારામાં સરકારી અનાજને સગેવગે કરવામાં ભાજપા કોંગ્રેસ સહિત આપ આગેવાનો કાર્યકરોના નામ ખુલ્યા !!!
નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનોના ગઠબંધન થકી સરકારી અનાજને સગેવગે કરતા હોવાનું ખુલતા લોકોમાં ભારે કુતૂહલ
ખાનગી ગોડાઉન ઉપર તાલુકા મામલતદારે તપાસ કરતા સરકારી અનાજનો ૧૦,૦૦૦ કિલો ગ્રામ ઘંઉનો જથ્થો મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાવી
પત્રકાર પરિષદ યોજી જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે એ
સરકારી અનાજ સગે વગે કરવાના ગુના અંગેની માહિતી આપી
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી ને ભરૂચના જાગૃત પત્રકારે ઉજાગર કર્યા બાદ ગોડાઉન ઉપર સાગબારા મામલતદાર દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા ૩ લાખનો સરકારી અનાજનો જથ્થો કબ્જે કરી નર્મદા પોલીસ દ્વારા પકડાયેલા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કરવામાં આવેલી કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદ યોજી આ મામલે વિગતવાર માહિતી આપી હતી.
નર્મદા જિલ્લાપોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ માહિતી આપતા જણાવ્યું કે, સાગબારા તાલુકા મામલતદાર એસ.જે.નિઝામાને ગત તા.૧૯/૭/૨૦૨૪ના રોજ સેલંબાના પાંચપીપરી રોડ ખાતે એક ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ ઘંઉનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે થતો હોવાની બાતમી મળતા તેઓને બાતમીવાળા સ્થળ પર તપાસ કરતા ટાટા કંપનીનો ટેમ્પો નં. જી.જે.૨૨ ટી-૧૧૮૧માંથી સરકારી અનાજના કટ્ટા ખાલી કરવામાં આવી રહ્યા હતા. જે અનાજના કટ્ટા તપાસ કરતા સરકારી અનાજ હોવાનું જણાયું હતું. ટેમ્પોમાંથી ગોડાઉનમાં ઉતારેલો જથ્થો તમામ તપાસ કરી જોતાં સરકારી શીલ અને લાલ દોરાની સિલાઈ વાળા ઘંઉના કટ્ટા નંગ-૧૭૨ તેમજ બારદાન માંથી ખાલી કરેલા ઘંઉંનો જથ્થો ચેક કરતા કટ્ટા નંગ-૨૦ આમ કુલ- ૨૦૦ નંગ ઘંઉના કટ્ટા જેનું અંદાજીત વજન ૧૦,૦૦૦ કિલો ગ્રામ (૧૦૦ ક્વિટલ) હતું. જેનું પ્રતિ કિલો ગ્રામ રૂપિયા ૩૦ લેખે કુલ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો.
સરકારી અનાજનો જથ્થો ભરીને લાવનાર ટેમ્પો ચાલક રાજેન્દ્રભાઇ રામસિંગ વસાવા રહે. પાંચપીપરી તા. સાગબારા, જીલ્લો નર્મદાનાઓ ગભરાઇને ટેમ્પો સ્થળ પર મુકી નાસી ગયા હતા. આ ટાટા ટેમ્પોની તપાસ કરતા આનંદભાઇ અદેસીંગભાઈ વસાવા રહે. રોઝદેવ, તા.સાગબારા, જીલ્લો નર્મદાની માલિકીનો હોવાનું જણાયું હતું. જેઓ અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર મનીષભાઈ ગવરચંદ શાહના પ્રતિનીધિ છે. તેમની માલિકીનો ટેમ્પો નંબર નં. જી.જે.૨૨ ટી-૧૧૮૧માં સાગબારા તાલુકાનું સરકારી અનાજ વિતરણ કરવાનું પ્રતિનિધી તરીકે કામ છે. વિતરણનું સંપુર્ણ કામ ગોડાઉન પરથી જથ્થો નિકળે અને નિયત સ્થળે પહોંચે તેની સંપુર્ણ જવાબદારી તેમની હોય છે. તેઓએ જે ટેમ્પોમાં અનાજનો જથ્થો વિતરણ કરવા માટે મોકલવાનો હોય છે. તેમાં સરકારી અનાજ વિતરણનું બોર્ડ લગાડવાનું હોય છે જે પણ લગાડેલું નહોતુ. તેમજ ટેમ્પોમાં જી.પી.એસ. સિસ્ટમ બંધ જણાઈ હતી. ડ્રાઇવરને જી.પી.એસ.લોકેશન વાળો મોબાઇલ ફોન આપવામાં આવ્યો નહોતો. જી.પી.એસ. ટ્રેકીંગ સિસ્ટમ બાબતે ડ્રાઇવરને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી.
વધુમાં જણાવ્યું કે, આ ખાનગી ગોડાઉન બાબતે તપાસ કરતા ગોડાઉન સચિન નવનિતલાલ શાહની માલિકીનું હોય અને તેમના જણાવ્યા મુજબ, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા (ભવરીસાવર, તા.સાગબારા) એ મૌખિક કરારથી માસિક રૂપિયા ૮૦૦૦/-ના ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાએ આ ગોડાઉન છેલ્લા બે માસથી ભાડે રાખ્યું હતું. આ ખાનગી ગોડાઉનમાં સી.સી.ટી.વી. કેમેરા પણ બંધ હોવાનું જણાયું હતું. તેમજ જયકુમાર દિનેશભાઇ વસાવા રહે.બોરડીફળી (ઉભારીયા), FPS દુકાનનાં સંચાલક હોય પકડાયેલો જથ્થો તેમની દુકાન માટે ફાળવેલા જથ્થા પૈકીનો જથ્થો ઘઉંના કટ્ટા નંગ-૦૮ ટાટા ટેમ્પો નંબર જી.જે.૨૨ ટી-૧૧૮૧માં ગોડાઉન ખાતે ઉતારવા માટે આવતા આ ઘઉંના કટ્ટા પણ જપ્ત કર્યા હતા. ગોડાઉનમાંથી અન્ય સરકારી ઘઉંના કટ્ટા કુલ-૧૯૨ આમ કુલ-૨૦૦ જેટલા ઘઉંના કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે.
સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરીમાં સરકારી અનાજ સગેવગે કરનાર ભાવેશભાઇ કાનજીભાઈ ડાંગોદરા જેઓ સરકારી કર્મચારી હોય અને સાગબારા તથા ડેડીયાપાડાના સરકારી અનાજના ગોડાઉનનો ચાર્જ ધરાવે છે. તેમની ફરજ અનાજના કટ્ટા ઉપર સરકારી શીલ મારવાની તેમજ સીલાઇ દોરી બદલવાની હોય છે. તેઓએ સરકારી ધારા-ધોરણ અને નિયમ મુજબ પેકીંગમાં અને સરકારી દોરામાં ફેરફાર નહીં કરી ગેટપાસ આપી સરકારી અનાજ ખાનગી ગોડાઉન સંચાલકોને બારોબાર જથ્થો પુરો પાડી ગુનાહીત કાવતરૂં કર્યું છે.
આ સમગ્ર મામલે સાગબારા મામલતદાર એસ.જે.નિઝામાએ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ગુનો તા.૨૫/૦૭/૨૦૨૪નારોજ દાખલ કરવામાં આવ્યો છે. આ સરકારી અનાજના હેરાફેરી તેમજ સંગ્રહના ગુનામાં (૧) ભાવેશભાઇ કાનજીભાઈ ડાંગોદરા ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર રહે.તા.ડેડીયાપાડા, અને (૨) દૌલતભાઇ ભાંગાભાઇ નાઇક રહે.બેડાપાણી ફળીયુ કોલવાણ તા.સાગબારા, જીલ્લો નર્મદાની અટકાયત કરવામાં આવી છે.
જ્યારે (૧) આનંદભાઈ અદેસીંગ વસાવા રહે.રોઝાદેવ તાસાગબારા, (૨) શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહે. ભવરીસાવર તા:-સાગબારા, (૩) રાજેન્દ્રભાઇ રામસિંગ વસાવા રહે. પાંચપીપરી તા. સાગબારા,જીલ્લો નર્મદા, (૪) જયકુમાર દિનેશભાઇ વસાવા, ઉભારીયા રહે.બોરડીફળી (ઉભારીયા), તા-સાગબારા, (૫) મનીષભાઈ ગવરચંદ શાહ, અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર રહે. ચલ થાણા, પલસાણા, સુરત અને (૬) સચિન નવનિતલાલ શાહ રહે. સેલંબા,તા:-સાગબારાની અટક કરવાના બાકી છે. તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી અટકાયતના ચક્રો ગતિમાન કર્યા છે. આમાં કોઈની શેહ શરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખની છે કે નર્મદા જિલ્લામાં સરકારી અનાજ ને સગેવગે કરવાના પ્રકરણમાં જે આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટી સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોની પણ સંડોવની હોવાનુ બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ગઠબંધન થકી પરસ્પર ના રાજકીય મતભેદ ભુલી મોટા પ્રમાણમાં સરકારી અનાજ કે જે ગરીબ લોકો માટે હોય છે તે સગેવગે કરવામાં આવતું હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યુ છે. પોલીસે જેમની સામે એફઆઈઆર નોંધી છે તે આરોપીઓ પૈકી સુરત નો મનીષ ગબરચંદ શાહ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સાગબારા ના દોલત ભગાભાઈ વસાવા કોંગ્રેસના કાર્યકર અને શૈલેન્દ્ર બહાદુર વસાવા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોવાનું બહાર આવ્યું છે.



