વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારાનાં ડુંગરોમાંથી ઉદગમ પામતી અંબિકા નદી સતત બીજા દિવસે પણ રોદ્ર સ્વરૂપમાં:
-અંબિકા નદીનો ગાંડોતુર પ્રવાહ નદી કિનારે આવેલ ડાંગરનાં ખેતરો સહિત અમુક જગ્યાએ કોઝવેકમ પુલોની રેલીંગ ઘસડી લઈ જતા જંગી નુકશાન..
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે પણ મેઘાનો તાંડવ યથાવત રહેતા જિલ્લાનાં 11 જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થયા. જ્યારે 19 જેટલા આંતરિક માર્ગો પ્રભાવિત થતા 40 થી વધુ ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યા..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે.જેમાં બે દિવસથી સાપુતારા અને આહવા પંથકમાં તો બારેમેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓઓમાં ભારે વરસાદ વરસતા નદી,નાળા અને કોતરોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.ડાંગ જિલ્લાની અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા તથા ધોધડ નદી હાલમાં ગાંડીતુર બની બન્ને કાંઠે થઈ ધસમસતા પ્રવાહમાં વહેતી થઈ છે.ગિરિમથક સાપુતારા અને ગલકુંડ પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરતપણે ધોધમાર સ્વરૂપેનો વરસાદ ચાલુ રહેતા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યા છે.જેમાં ગિરિમથક સાપુતારાનાં ડુંગરોમાંથી ઉદગમ પામતી અંબિકા નદી સતત બીજા દિવસે ઘોડાપૂર પ્રવાહ સાથે વહેતી થઈ છે.અંબિકા નદીમાં ઘોડાપુર આવતા નદીનાં કાંઠે આવેલ ઠેરઠેર ડાંગરનાં ખેતરોનું ધોવાણ થઈ જવા પામ્યુ છે.જ્યારે અંબિકા નદીનો ધસમસતો પ્રવાહ શામગહાન(બારીપાડા)થી સુરગાણાને જોડતા રાજયધોરીમાર્ગનાં માનમોડી કોઝવેકમ પુલ પર ફરી વળતા રેલીંગ પણ ઘસડી લઈ જતા જંગી નુકશાન થયુ હતુ.ડાંગ જિલ્લાની અંબિકા નદીમાં પુર આવતા વઘઇનો ગીરા ધોધ અધધ પાણીનાં જથ્થા સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.સાથે રવિવારે દિવસ દરમ્યાન ખાપરી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બે દિવસથી વરસી રહેલ ભારે વરસાદનાં પગલે જિલ્લા પંચાયત હસ્તકનાં 11જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થયા હતા.જ્યારે 19 જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈને અવરોધાતા 40થી વધુ ગામડાઓ જિલ્લાનાં વહીવટીમથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં સુબિર તાલુકાનો (1) હિંદળાથી ધુડા રોડ, અને (2) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઢવી રોડ, (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, (4) બારીપાડા-ચિરાપાડા રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુંસરદા વી.એ.રોડ, (9) માનમોડી-બોડારમાળ-નિબારપાડા રોડ, અને (10) આંબાપાડા વી.એ.રોડ,(11)કાલીબેલ-પાંઢરમાળ વાકન રોડ જે ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અમુક આંતરિક માર્ગો પર માટીનો મલબો તથા પથ્થરો ધસી પડવાના બનાવો બન્યા છે.જેના પગલે સતત બે દિવસથી અહીનું જનજીવન,પશુપાલન પ્રભાવિત બન્યુ હતુ.ડાંગ જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે સુબિર તાલુકાનો ગીરમાળનો ગીરાધોધ,ગીરા નદીનો વનદેવીનો નેકલેસ વેલી ઓફ વ્યુ પોઈંટ, પાંડવ ગુફા,અંજની કુંડ,આહવા શિવ ઘાટનો ધોધ,ભેગુધોધ,આંકડાનો ધોધ સહિતનાં નાના મોટા જળધોધ અધધ પાણીનાં પ્રવાહ સાથે ખીલી ઊઠ્યા હતા.
———— બોક્ષ:-(1) મેઘાનાં તાંડવનાં પગલે શનિ રવિમાં મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં કાર્યક્રમોનો ફિયાસ્કો થયો.ગિરિમથક સાપુતારા ખાતે શનિરવીની રજાઓમાં ધોધમાર વરસાદ પડતા ફરવા આવેલ પ્રવાસીઓ ખરા સમયે મૂંઝવણમાં મુકાયા હતા.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલે માઝા મૂકી છે.સાપુતારા ખાતે સતત બે દિવસથી વરસાદે માઝા મુકતા જોવાલાયક સ્થળોનાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સાથે રેલમછેલ ફરી વળી હતી.સાપુતારા ખાતે અવિરતપણે વરસાદ ખાબકવાનાં પગલે ફરવા આવેલ પ્રવાસીઓ પણ અસ્ત વ્યસ્ત બની મુંઝવણમાં મુકાયા હતા.વરસાદી સીઝનમાં સાપુતારા ખાતે એક મહિના માટે મેઘમલ્હાર પર્વ એટલે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે.તેવામાં ગુજરાત પ્રવાસન વિભાગની કચાસનાં પગલે કાર્યક્રમોનો ફિયાસ્કો થઈ રહ્યો છે.સાથે શનિ રવિની રજાઓમાં જ મેઘાએ રીતસરનો તાંડવ કરી મોન્સૂન ફેસ્ટિવલનાં પર્વમાં ભાંગરો વાટી દેતા પ્રવાસીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા.અહી ધોધમાર વરસાદનાં પગલે ફરવા આવેલ પ્રવાસીઓએ હોટલમાંથી નીકળવાનું ટાળ્યુ હતુ.ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં પણ સંચાલકોની બેદરકારીનાં પગલે કાર્યક્રમો ફિક્કા જોવા મળ્યા હતા.જેથી મોન્સૂન ફેસ્ટિવલનાં આંધણની સાથે સરકારનાં લાખો રૂપિયા પાણીની જેમ વહી ગયાનું જણાઈ આવ્યુ હતુ.