વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં પીએમ કુસુમ યોજના હેઠળની એજન્સીનાં એજન્ટો દ્વારા ખેડૂતો પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે..
પીએમ કુસુમ એ તદ્દન નિ:શુલ્ક યોજના છે.ત્યારે આ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં વિવિધ સોલાર પંપસેટ એજન્સીનાં એજન્ટો દ્વારા ખેતી વિષયક સોલાર પંપસેટ માટે અરજી લેવા માટે ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહ્યા છે.ત્યારે કેટલીક એજન્સીનાં એજન્ટો દ્વારા ફોર્મ ભરવાનાં નામે 2 થી 5 હજારની ખેડૂતો પાસે માંગણી કરવામાં આવી રહ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ત્યારે એજન્સીનાં એજન્ટો દ્વારા ગરીબ અને અમુક અભણ ખેડૂતોનાં અજ્ઞાનતાનો લાભ લઈ તેઓ પાસેથી 2 થી 5 હજારની માંગણી કરીને ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે.ગુજરાત રાજયમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (પી.એમ.કુસુમ) યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે અરજી નોંધણી કરવા માટેની તારીખ બહાર પાડવામાં આવી છે.પી.એમ.કુસુમ યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે ખેડૂતોએ તા. 05/08/2024થી 04/09/2024 સુધી અરજી નોંધણી કરવાની છે.જેથી આ યોજનામાં જોડાવવા માંગતા અરજદારો એ GUVNL દ્વારા માન્ય કરેલ એજન્સીઓની યાદીમાંથી કોઈ એક સોલાર એજન્સીની પસંદગી કરી, તેમના દ્વારા સ્ટેટ પોર્ટલ પર જરૂરી દરસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની હોય છે.જોકે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પાંડવા વિસ્તારનાં ખેડૂતો પાસેથી એજન્સીનાં એજન્ટો દ્વારા ફોર્મ ભરવાના બે થી પાંચ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.જેને લઇને પાંડવા વિભાગનાં ખેડૂતોએ વીજ કંપની આહવા ખાતે લેખિતમાં ફરિયાદ કરી હતી.ત્યારે ડાંગ જિલ્લાની વીજ કંપની આહવા દ્વારા આ અંગેની અગત્યની સૂચના પણ બહાર પાડવામાં આવી હતી કે, આ યોજના માટે અરજદારે કોઈ ફી ભરવાની રહેતી નથી.તેથી કોઈ પણ અરજદારે એજન્સીનાં એજન્ટો સાથે નાણાકીય વ્યવહાર કરવો નહીં.અને જો કોઈ નાણાકીય વ્યવહાર થાય તો તેના માટે વીજ કંપની જવાબદાર રહેશે નહીનું જણાવી ખેડૂતોને ધ્યાનમાં લેવાનું જણાવાયુ છે.અહીં GUVNL દ્વારા માન્ય કરેલ એજન્સી ઓસ્ટ્રેલિયન પ્રિમીયમ સોલાર ઈન્ડીયા પા.લિ. – અમદાવાદ,અવિ રિન્યુએબલ એનર્જી પ્રા.લિ. – અમદાવાદ,જે.જે. પી.વી સોલાર લિમીટેડ – રાજકોટ,કોસોલ એનર્જી પ્રાઈવેટ લિમીટેડ – અમદાવાદ,કે.એસ.બી. લિમીટેડ – મહારાષ્ટ્ર,નિતિ યુરો એશિયા સોલાર એનર્જી – ગાંધીનગર,સહજ સોલાર લિમીટેડ – અમદાવાદ,શકિત પંપ (ઈન્ડીયા) લિમીટેડ – એમ.પી,ટોપ્સન એનર્જી લિમીટેડ – ગાંધીનગર એમ મળી કુલ 9 એજન્સીઓ કાર્યરત છે.પરંતુ આ એજન્સીઓનાં એજન્ટો દ્વારા તદ્દન નિ: શુલ્ક યોજનાની અરજી નોંધણી કરવા માટે 2 થી 5 હજારની ઉઘરાણી કરીને ઉઘાડી લુંટ કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.જોકે હવે ખેડૂતો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે તો એજન્સીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવશે કે પછી પોતાની મનમાની જ ચલાવવામાં આવશે તે તો જોવું જ રહ્યુ.વધુમાં ડાંગનાં ખેડૂતો પાસે ઉઘાડી લૂંટ ચલાવનાર એજન્સીઓનાં એજન્ટો સામે પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે..