ફોરેસ્ટ ભરતીમાં CBRT પદ્ધતિ રદ્દ કરવા વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં ભાજપના બે ધારાસભ્યો

તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. જેના વિરોધમાં બે દિવસ પહેલાં ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા અને CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા તેમજ તમામ ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
ફોરેસ્ટ ભરતીમાં CBRT પદ્ધતિ રદ્દ કરવા વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં ભાજપના બે ધારાસભ્યો આવ્યા છે, જેમાં એક છે ગાંધીનગર ઉત્તરના MLA રીટા પટેલ અને બીજા છે મહુધાના MLA સંજયસિંહ મહિડા. આ બંનેએ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યો છે અને ફોરેસ્ટ ભરતીમાં CBRT પદ્ધતિ રદ્દ કરવા માંગ કરી છે.
ઉમેદવારોનો આક્ષેપ છે કે CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય, ટેક્નિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું, નિરાશ થઈ જતા જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે. જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ?
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર અને ઓછી બેઠકો વાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જેમાં હવે ફોરેસ્ટ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે CBRT પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે.
ઉમેદવારોના આક્ષેપ મુજબ આ પરીક્ષા પદ્ધતિનું સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે જેથી પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી. ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ હોય છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે. જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થ નો અનર્થ થઈ જાય છે.
આ પદ્ધતિમાં બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે. તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. જેથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતી છે જેથી CBRT પદ્ધતિ દૂર થવી જોઈએ.







