બોડેલીના હસમુખભાઇ ઠક્કરે લીધેલ લોનના ₹65,000 નો ચેક બાઉન્સ થતાં બે વર્ષની સજા.

બોડેલી કોર્ટનો ચેક બાઉન્સ કેસમાં મહત્વનો ચુકાદો.
એક વખત લોક અદાલતમાં સમાધાન કરીને બીજો ચેક આપ્યો, તે પણ બાઉન્સ થયો અને કોર્ટ સજા કરી.
બોડેલીના એક વ્યક્તિએ ₹65,000 ની લોન ભરપાઈ ન કરી તેનો ચેક બાઉન્સ થતાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા તેમજ ₹65,000 ફરિયાદીને ચૂકવવા હુકમ કરતા બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
બોડેલીના જલારામ સેવા મંડળ ટ્રસ્ટ મેનેજર વહીવટી અધિકારી ભાવિન પટેલ દ્વારા એડી.ચીફ.જ્યુડી. મેજી.જજ આશુતોષ રાજ પાઠકની કોર્ટમાં આરોપી હસમુખભાઈ નટવરલાલ ઠક્કર રહે. લક્ષ્મી સોસાયટી, બોડેલી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં હસમુખભાઈ એ જલારામ ટ્રસ્ટ પાસેથી તેમના પુત્રની ડેન્ટલ ફાઈનલ વર્ષની ફી ભરવા એક લાખ ₹ ની લોન તા. 7 જૂન 2018 ના રોજ માંગણી કરી હતી. લોનની રકમ સામે એક ચેક સંસ્થાને આપ્યો હતો. ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં રકમ ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. ત્યાર પછી તેઓને ફરિયાદી દ્વારા કાયદેસરની વકીલ મારફતે લીગલ નોટિસ આપવામાં આવી હતી. તેઓએ રકમ ભરવા અંગે વિશ્વાસ આપતા લોક અદાલતમાં સમાધાન કરવામાં આવ્યું હતું. હસમુખભાઈએ બીજો એક ચેક આપ્યો હતો. બીજો ચેક બેંકમાં ક્લિયર કરવા મોકલતા તા.25 જુલાઈ 2019 ના રોજ આરોપીના ખાતામાં પૂરતી રકમ ન હોવાથી તે પણ પરત ફર્યો હતો.
તા. 20 ઓગસ્ટ 2019 ના રોજ ફરિયાદીએ બીજી એક લીગલ નોટિસ જારી કરી હતી. તે સાથે જ બોડેલીની કોર્ટમાં નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ હસમુખભાઈ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે વિદ્વાન વકીલ લલિતચંદ્ર રોહિતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી એડી.ચીફ.જ્યુડી. મેજી.જજ આશુતોષ રાજ પાઠકે આરોપી હસમુખભાઈ નટવરલાલ ઠક્કરને બે વર્ષની સજાનો હુકમ કરી ફરિયાદીને ₹ 65,000 ચૂકવવા આદેશ કર્યો છે. જો આરોપી આ રકમ ન ચૂકવે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદ ની સજા નો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર



