GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટમાં તા.૧૦ના રોજ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાશે

તા.૯/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્રીય મંત્રીશ્રી જે.પી. નડ્ડા, શ્રી સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મંત્રી સર્વશ્રી રાધવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઇ બાવળિયા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તા. ૮ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જેનાથી દેશભક્તિનો જુવાળ ઉભો થયો છે. સાથોસાથ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યોને યાદ કરવામાં આવશે.

જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા તથા પક્ષના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે તા.૧૦ નાં સવારે ૯ કલાકે બહુમાળી ભવન, સરદાર ચોક, રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ‘હર ઘર તિરંગા યાત્રા’ અભિયાનનો પ્રારંભ થશે. અગ્રણી શ્રી ડો. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, રાષ્ટ્રભાવના દેશભક્તિ અને દેશની એક્તા-અખંડિતતાને બળવત્તર બનાવવાના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સર્વશ્રી જે.પી.નડ્ડા અને શ્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, પ્રભારી મંત્રીશ્રી રાધવજીભાઇ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અલ્પેશભાઇ ઢોલરિયા, મુકેશભાઇ દોશી, રાજુભાઇ ધ્રુવ સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહી ‘હર ધર તિરંગા યાત્રા’નો પ્રારંભ કરાવવાના છે. જેમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાશે.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સૌ પ્રથમ આ યાત્રાનો શુભારંભ રાજકોટથી થશે.

સમગ્ર ગુજરાતમાં આ “હર ઘર તિરંગા” અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ છે. ત્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉમંગભેર ઉજવણી થાય તેવા હેતુથી વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બનશે.

Back to top button
error: Content is protected !!