ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં 100થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા
ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે.

ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં 100થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. એક એજન્સીના અહેવાલમાં આ દાવો કરાયો હતો.
પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકો જે સ્કૂલમાં આશરો લઈ રહ્યા હતા તેને જ ઈઝરાયલે નિશાન બનાવી હતી. આ હુમલામાં 100થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ઘાયલો પણ મોટી સંખ્યામાં હોવાની આશંકા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો નમાઝ પઢી રહ્યા હતા.
હમાસ દ્વારા સંચાલિત કાર્યાલય વતી જણાવાયું હતું કે આ હુમલો ત્યારે થયો હતો ત્યારે નાગરિકો ફજર (સવાર) ની નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે જ ઈઝરાયલે ક્રૂરતાપૂર્વક વિસ્થાપિત નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી.



