NANDODNARMADA

વિશ્વ સિંહ દિવસઃ “શ્રદ્ધા” થી “દેવી” સુધી, સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં વધી રહી છે સિંહોની વસ્તી

વિશ્વ સિંહ દિવસઃ “શ્રદ્ધા” થી “દેવી” સુધી, સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં વધી રહી છે સિંહોની વસ્તી

 

સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લખાઈ રહી છે સફળ સંવર્ધનની અનોખી કહાણી

 

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે ! – ઝવેરચંદ મેઘાણી

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

ભારત સરકાર અને ગુજરાત સરકાર, દેશની આન-બાન અને શાન સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદૃઢ અને પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યાં છે. આ પ્રયત્નોનું એક જવલંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગરનું સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક, જયાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાણી. આ વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે.

આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્તપ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે, જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પુરું પાડે છે. છેલ્લાં બે વર્ષોમાં, આ ઉદ્યાનમાં માતા “શ્રધ્ધા”ના પાંચ સાવજોના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે. ૨૦૨૨ માં “રેવા” ના આગમન અને તે પછી ૨૦૨૩ માં “ઇન્દ્ર”, “વાણી”, “તારા” અને “દેવી” ના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો, પરંતુ આ બાળસિંહોની નિર્દોષ મસ્તીને નિહાળી મુલાકાતીઓ અને કર્મચારિઓના ચહેરા પર પણ સ્મિત રેલાયું છે.

 

આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં, બલ્કે આફ્રીકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યાં છે.ગત જાન્યુઆરીમાં જ ૨ આફ્રીકન સફેદ સિંહ પણ સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે, આ બંને સિંહ યુગલે પણ અહિંયાના વાતવરણને પોતિકુ બનાવી લીધુ છે.

 

સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહિંયાના કર્મચારિઓના સમર્પણ અને સખત મહેનતની સાથે-સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે. આ સામૂહિક પ્રયત્નોએ એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બાનવાવામાં સફળતા મળી છે, જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે.આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકારીએ છીએ.

 

આ અંગે માહિતી આપતા સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તિએ જણાવ્યુ હતુ કે, પાર્કને પોતાનું રહેંણાક બનાવનાઋ તમામ પ્રાણી-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના ૧૦૦% પ્રયાસો કરી રહી છે જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણી શાસ્ત્રીઓ, તબીબોની ટીમ સતત તમામ પ્રાણી-પક્ષીઓને સારૂ અને અનુકુળ વાતાવરણ પુરૂ પાડવા સતત પ્રય્ત્ન્શીલ છે અને તેના પરીણામે આજે સિંહનું પરીવાર આજે આટલુ વિશાળ બન્યુ છે.

Back to top button
error: Content is protected !!