GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઇ

તા.૧૨/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

‘ભારત માતાકી જય’, ‘વંદે માતરમ’ ના જય ઘોષ સાથે મોટી સંખ્યામાં નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા

વિવિધ ફ્લોટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમોએ રેલીમાં આકર્ષણ જમાવ્યું

Rajkot, Jasdan: આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ સાથે આગામી સ્વાતંત્ર પર્વ પૂર્વે ઠેર-ઠેર “હર ઘર તિરંગા યાત્રા” ચાલી રહી છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

જસદણના જળ શક્તિ સર્કલ ખાતેથી માર્કેટિંગ યાર્ડ સુધીની પદયાત્રામાં મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા, કલેક્ટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સહિતના મહાનુભાવોએ વરસતા વરસાદમાં હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે નગરજનોને રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબતર કર્યા હતા.

મંત્રીશ્રી બાવળીયાએ ‘હર ઘર તિરંગા’ યાત્રાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત પૂર્ણ વિકસિત બને તે માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા થકી ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ. આ તકે આઝાદીના લડવૈયાઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી તેમાંથી પ્રેરણા લઈ દેશને મજબૂત બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતુ.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉદબોધનમાં કહ્યું હતું કે આપણે સૌ સુરક્ષિત છીએ તેના માટે દેશની રક્ષા કરતા નવજવાન સૈનિકોને આજના દિવસે ખાસ યાદ કરીને સૈનિકોની રાષ્ટ્ર ભાવના અને નિષ્ઠાને વંદન કરવા જોઈએ.

કલેકટર શ્રી પ્રભવ જોશીએ આ તકે ખાસ કરીને વિદ્યાર્થી યુવાનોને સ્વતંત્ર સેનાનીઓએ દેશ માટે આપેલ બલિદાનને યાદ કરી દેશને મજબૂત બનાવવા માટે આગળ આવવા સંદેશ આપી આ યાત્રાને ગૌરવ પૂર્ણ બનાવવા અપીલ કરી હતી.

યાત્રામાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા વિવિધ ફ્લોટ્સ જોડાયા હતા. કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ રંગારંગ કૃતિઓ રજૂ કરાઈ હતી. મોડલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ કરાટેના દાવ પેચ રજુ કરી નારી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ તિરંગા યાત્રામાં તાલુકા અગ્રણી ઓ સર્વશ્રી કમલેશભાઈ વરુ, અશોકભાઈ એમ.ચાંવ (ર્પૂવ સરપંચ ગોડલાધાર), સીમાબેન જોશી, અશોકભાઈ મહેતા, અશોકભાઈ ધાધલ, અનિલભાઈ મકાણી, પંકજભાઈ ચાવ, ભાવેશભાઈ વેકરીયા, અશોકભાઈ ચાવ, કલ્પેશભાઈ રૂપારેલીયા, જીગ્નેશભાઈ હિરપરા, વિનુભાઈ ધડુક તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી, પ્રાંત અધિકારી સર્વશ્રી ગ્રીષ્મા રાઠવા, નિશા ચૌધરી, વિમલ ચક્રવર્તી, પુરવઠા અધિકારીશ્રી વંગવાની, મામલતદાર સર્વેશ્રી પંચાલ, એમ ડી દવે, અલ્પેશ પાવરા, સહિત રમત ગમત, શિક્ષણ, આરોગ્ય, આર.ટી.ઓ., વન વિભાગ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વિવિધ વેપારી એસોસિએશન, સંગઠન, સહકારી ક્ષેત્રના સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!