Rajkot: બાગાયતી પાકની કાપણી પછીની વ્યવસ્થા તથા બજાર સાથે સાંકળવા નવી યોજના જાહેર

તા.૧૩/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ-ક્ષમતા વધારવા કાર્યક્રમ જાહેરઃ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી થઈ શકશે
Rajkot: રાજ્ય સરકારે ચાલુ વર્ષે બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સંકળાયેલા વ્યક્તિગત/ ખાનગી સંસ્થા/ ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઈઝેશન (એફ.પી.ઓ.) / સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા વધારવા નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે બાગાયતી પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ-ક્ષમતા વધારવાને પણ નવી બાબત તરીકે મંજૂર કરી છે. આ યોજનાઓના લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી અરજી થઈ શકશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૧૨મી ઓગસ્ટથી ૧૧મી ઓક્ટોબર સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સંકળવા માટેની યોજનામાં સહાયનું ધોરણ એકમ ખર્ચમાં મહત્તમ રૂપિયા ૧૦૦ લાખ સુધીનું છે. વ્યક્તિગત / ખાનગી સંસ્થાને ૫૦ ટકા મુજબ રૂપિયા ૫૦ લાખ /પ્રતિ એકમ અથવા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. એફ.પી.ઓ. / સહકારી સંસ્થાને પોતાના કાર્યક્ષેત્રને ધ્યાનમાં લઈને ૭૫ ટકા મુજબ, રૂપિયા ૭૫ લાખ /એકમ બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે.
બાગાયતી પાક ઉત્પાદનો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવાના કાર્યક્રમમાં સહાયનું ધોરણ એકમ ખર્ચ પાંચ હજાર મેટ્રીક ટન સુધી રૂ. આઠ હજાર પ્રતિ મે.ટન રહેશે. ૫૦૦૧થી ૬૫૦૦ સુધી મે.ટન સુધી રૂ. ૭૬૦૦ પ્રતિ મે.ટન., ૬૫૦૧થી ૮૦૦૦ મે.ટન સુધી રૂ.૭૨૦૦ પ્રતિ મે.ટન, ૮૦૦૧થી ૧૦ હજાર મે.ટન સુધી રૂ.૬૮૦૦ પ્રતિ મે.ટન મુજબ એકમ ખર્ચના ૫૦ ટકા પ્રોજેક્ટ બેઇઝ ક્રેડિટ લિન્ક, બેક એન્ડેડ સબસિડી આજીવન એક જ વાર મળવાપાત્ર રહેશે.


