વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દર વર્ષે તારીખ ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવે છે. બાળકના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન, અને ૬ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે, તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે. જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય. વર્ષ ૨૦૨૩માં “અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ Closing the gap : Breastfeeding Support for all” થીમ નક્કી કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદેશ સ્તનપાન સહાય, અને પ્રચલનમાં અસમાનતા વિશે લોકોને માહિતગાર કરી, અને સ્તનપાનને પ્રોત્સાહન આપવા સાથે સહકાર વધારવા માટે, વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાણ કરવા માટેનો છે. એક નવજાત બાળકને જન્મનાં એક કલાકમાં માતાનું પહેલુ ઘટ્ટ પીળુ દૂધ (કોલ્સટ્રમ) અતિઆવશ્યક હોય છે. જે નવજાતને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તેમજ બાળકને ૬ માસ સુધી ફકત માતાનું ધાવણ જ આપવું જોઇએ. બાળકોને પણ ૬ માસ પૂરા થતાં તરત જ સ્તનપાન સાથે ઘરે ઉપલબ્ધ પોષ્ટિક નરમ પોચા ખોરાકની શરૂઆત કરાવવી જોઇએ. ડાંગ જિલ્લામાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ના શુભારંભ નિમિતે ગત તા.૧/૮/૨૦૨૪નાં રોજ ICDS શાખા દ્વારા, આહવા ઘટક કચેરીએ સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ અને આંગણવાડી કાર્યકરો બહેનોને, સ્તનપાનનાં મહત્વ અને આરોગ્ય-પોષણ શિક્ષણની જાગ્રૃતિ લાવવા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ચેરેમેનશ્રી, મહિલા અને યુવા સમિતી જિલ્લા પંચાયત આહવા, પ્રોગ્રામ ઓફિસરશ્રી, સીડીપીઓ, આહવા અને સુબીર આઇસીડીએસ સ્ટાફ હાજર રહ્યા હતા.આ ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ દ૨મિયાન સ્તનપાનને સમર્થન આપવા માટે પ્રતિજ્ઞા, રેલી, પ્રભાત ફેરી અને PO, CDPO, MS અને આંગણવાડી કાર્યકર દ્વારા પ્રસુતિ ગૃહની મુલાકાત અને સગર્ભા, ધાત્રી માતાની ગૃહ મુલાકાત લઈ સ્તનપાનનાં મહત્વની અને આરોગ્ય-પોષણ વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ ICDS ની વિવિધ યોજનાઓ જેવી કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, ટેક હોમ રાશન યોજના વગેરેનો લાભ લગત તમામ લાભાર્થીને મળે એ બાબતે સોસિયલ મીડિયા દ્વારા લોકોમાં બહોળો પ્રચાર પ્રસાર આંગણવાડી કાર્યકર અને ICDS સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.