GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કે.એમ.દોશી.સ્કૂલ બાકોર પાંડરવાડા ખાતે કરાઈ.

મહીસાગર જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્રપર્વની ઉજવણી શ્રી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે કરાઈ

જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી

યુવા એ કોઈ પણ રાષ્ટ્રની ઉર્જા છે અને સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે તેથી નશા મુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે – કલેકટર

 

મહીસાગર જિલ્લામાં રમતવિરો, વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયા…

મહીસાગર જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી ખાનપુર તાલુકાના શ્રી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી. અને ભારતને મહામૂલી આઝાદી અપાવનાર સર્વે નામી-અનામિ શહીદવીરોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

 

 

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતની આન, બાન અને શાન સમાન આ ત્રિરંગાને લહેરાવીને હું ધન્‍યતા અનુભવું છું. રાષ્‍ટ્રને કાજ બલિદાન આપનારા ક્રાંતિવીરો, સ્‍વાતંત્ર્યવીરો અને શહીદો કે જેમને મન માતૃભૂમિની સ્વતંત્રતા એ જ એક માત્ર જીવન લક્ષ્‍ય હતું તે તમામને મારા નત મસ્તક વંદન છે. આઝાદીની ચળવણમાં ભાગીદારી નોંધાવનાર – દેશને કાજ જીવન સમર્પિત કરનાર તમામને યાદ કરવાના આ પર્વને ઉજવવાનો મોકો મળતા મારી જાતને ધન્યવાન ગણું છે. સો પ્રથમ અહીં ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવુ છું.

તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અનેકવિધ કલ્યાણકારી કાર્યો કર્યા છે જેના થકી સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યો છે. આપણાં જિલ્લાના વિકાસની વાત કરવામાં આવે તો લુણાવાડા જિલ્લા કલેકટર કચેરી ખાતે અંદાજિત ૧૧૦.૦૦ લાખમાં તૈયાર થયેલ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે આ ઉપરાંત લુણાવાડા ખાતે આવેલ નવીન જનરલ હોસ્પિટલનું ૦૫ ઓપરેશન થીયેટર, તાત્કાલિક સારવાર વિભાગ સહિતની સેવાઓ સાથેનું બિલ્ડીંગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જે હાલમાં કાર્યરત છે અને મહીસાગર જીલ્લાની જાહેરજનતા તેનો લાભ લઇ રહેલ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે મહીસાગર જિલ્લો છેવાડાના વ્યક્તિઓની દરકાર લઈ ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર–માલવણ અને આયુષ્માન આરોગ્ય મંદિર – ઠાકોર ના નાધ્રા નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત નેશનલ લેવલનું સર્ટીફિકેટ મળેલ છે. કિડનીની ગંભીર બિમારીમાં જરૂરી ડાયાલીસીસ સેવા અર્થે દર્દીને બહાર ન જવુ પડે અને આપણા જ તાલુકામાં સેવા મળી રહે તે હેતુસર આપણા જિલ્લામાં કુલ-૬ હેલ્થ ફેસીલીટી ખાતે આ સેવાઓ ઉપલબ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ ૨,૨૧,૮૪૬ ખેડૂત કુટુંબને નોંધવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂતોને વર્ષિક રૂ. ૬૦૦૦/- ની ઈનપુટ સહાય રૂ.૨૦૦૦ ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. ગંગા સ્વરૂપા મહિલાઓને સહાયરૂપ થવાના ઉદેશથી અમલીકૃત ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જીલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માં ૨૮૫૫૭ ગંગા સ્વરૂપા મહિલા લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.1250/- લેખે કુલ રૂ.૪૪.૧૬ કરોડની સહાયની રકમ જે તે લાભાર્થીઓના બેક/પોસ્ટ ખાતામાં DBT મારફતે ચુકવવામાં આવેલ છે.

તેમણે ઉમેર્યું હતું કે, યુવા એ કોઈ પણ રાષ્ટ્રની ઉર્જા છે અને સમાજ અને દેશના વિકાસમાં યુવા શક્તિનો મહત્વનો ફાળો છે. તેથી નશા મુક્ત ભારત અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે ખૂબ જ જરૂરી છે. દેશના આ પડકારને સ્વીકારીને, આજે આપણે નશા મુક્ત ભારત અભિયાન હેઠળ એકસાથે આવીએ છીએ અને માત્ર સમુદાય, પરિવાર, મિત્રોને જ નહીં, પરંતુ પોતાને પણ નશાના વ્યસનથી મુક્ત કરવાનો સંકલ્પ કરીએ છીએ કારણ કે પરિવર્તનની શરૂઆત આપણાથી થવી જોઈએ.તેથી, ચાલો આપણે સૌ સાથે મળીને આપણા જિલ્લા/રાજ્યને નશા મુક્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ.

મહીસાગર જિલ્લા કલેકટરશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન, રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાયું. કલેકટરશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, આદિવાસી નૃત્ય સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, અગ્રણી શ્રી દશરથભાઇ બારીયા, નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ,પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ ,પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ માલીવાડ અને જીગ્નેશભાઈ સેવક,તાલુકા પંચાયત પ્રમુખ સહિત આમંત્રિત મહેમાનો બાળકો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!