આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક કૃષિ તાલીમ વર્ગ” યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક કૃષિ તાલીમ વર્ગ” યોજાયો
તાહિર મેમણ -આણંદ – 16/08/2024- આણંદ કૃષિ યુનિવર્સિટી અને વ્યક્તિ વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.કે.બી. કથીરીયાની અધ્યક્ષતામાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક કૃષિ તાલીમવર્ગ” યોજાયો હતો.
તાલીમવર્ગના ઉદ્દ્ઘાટન કાર્યક્રમમાં ડૉ. કે. બી. કથીરીયાએ પ્રાકૃતિક કૃષિ થકી વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તમામ આયામો અપનાવવા અનુરોધ કરી પ્રાકૃતિક કૃષિમાં પાકની સારી અને રોગ-જીવાત પ્રતિકારક જાતોની વાવણી શા માટે કરવી જોઈએ તેની ઊંડાણપૂર્વક સમજણ ખેડૂતોને આપી હતી. વધુમાં તેમણે ખેડૂતોને યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના સંશોધન, પ્રયોગો અને પરિણામો તથા એક નવતર અભિગમના ભાગરૂપે ખેડૂતોના ખેતર ઉપર લેવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના પ્રયોગો અંગે જાણકારી આપી આ અભિગમથી “ખેડૂત-વૈજ્ઞાનિક” વચ્ચે સાચા અર્થમાં સેતુ રચાશે તેમ જણાવ્યું હતું.
ડૉ. કથીરીયાએ પ્રાકૃતિક કૃષિને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ આ તાલીમવર્ગ છે તેમ જણાવી આ પ્રકારના આયોજન થકી આણંદ જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને શક્ય તમામ સહાય કરવા સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા રાજ્યના અધિકારીઓને પણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે તેમ ઉમેર્યું હતું.
એગ્રોનોમી વિભાગના વડાશ્રી ડૉ.વી.જે.પટેલ પ્રાકૃતિક ખેતીમાં આયામોના ઉપયોગ અંગે, નેમેટોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડૉ.એ.કે.મારૂ દ્વારા અગ્નિઅસ્ત્રથી કૃમિ નિયંત્રણ અંગે, શ્રી ચિંતનભાઈ વ્યાસ દ્વારા ખેડૂતોને કાળી હળદર અને લક્ષ્મી તરૂ જેવા ઔષધિય મુલ્ય અંગેની ખેડૂતોને સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પ્રાકૃતિક કૃષિ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંશોધન નિયામકશ્રી ડૉ.એમ.કે.ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.જે.કે.પટેલ, વ્યક્તિ વિકાસ કેન્દ્રના રાજ્યના પ્રોજેક્ટ કોઓર્ડીનેટરશ્રી ચિંતનભાઈ વ્યાસ, , વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઈન્ડિયાના જિલ્લા કોઓર્ડીનેટરશ્રી કેતનભાઈ પટેલ, તાલીમ સહાયક(પા.સં) ડૉ.શૈલેષ પટેલ સહિત ૨૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.




