SABARKANTHA

હિંમતનગર ખાતે પશુસખીઓ માટે એ-હેલ્પ (A-HELP) તાલીમ યોજાઇ

*હિંમતનગર ખાતે પશુસખીઓ માટે એ-હેલ્પ (A-HELP) તાલીમ યોજાઇ*
*****
*તાલીમ લીધેલ ૨૫ પશુસખીઓ હવે પશુ ચિકિત્સકો અને દૂધ ઉત્પાદકો વચ્ચે મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરશે*
*****
પશુપાલન અને ડેરી વિભાગ (DAHD), મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM), ગ્રામીણ વિકાસ મંત્રાલયના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ચાલતા એ-હેલ્પ (A-HELP) કાર્યક્રમ અંતર્ગત, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને પશુપાલન વિભાગના સહયોગથી સાબરકાંઠા આરસેટી તાલીમ કેન્દ્ર ખાતે ૧૬ દિવસીય એ-હેલ્પ (A-HELP) તાલીમ યોજાઇ હતી.
ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન ક્ષેત્રમાં સુધારો કરવાના ઉદ્દેશથી યોજાયેલ તાલીમ દરમિયાન પશુસખીઓને પશુ આરોગ્ય, પશુ પોષણ, પશુ પ્રજનન અને દૂધની ગુણવત્તા સુધારણા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમના ભાગરૂપે ઇડર પાંજરાપોર ખાતે એક પ્રદર્શન અને તેના પરથી સ્વ-અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.આ પ્રદર્શનમાં પશુસખીઓને ઈયર ટેગિંગ, રસીકરણ, પ્રાથમિક સારવાર અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા પશુના ઘરગથ્થુ ઉપચાર જેવી વિશિષ્ટ કુશળતાઓ શીખવવામાં આવી હતી.
કાર્યક્રમના ભાગરૂપે પશુસખી દ્વારા સાબર ડેરી હિંમતનગર , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા, વર્મી કંપોસ્ટ યુનિટ લક્ષ્મીપુરા ,કામધેનુ યુનિવર્સીટી રાજપુર,પશુ દવાખાનું આગીયોલ, હિંમતનગર-જામળા ગીર ગાય પશુ તબેલા અને દેરોલ ગીર ગાય ફાર્મ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી.
એ-હેલ્પ (A-HELP) કાર્યક્રમ એ પશુપાલન ક્ષેત્રમાં એક નવો પ્રયાસ છે. આ તાલીમમાં કુલ 25 પશુસખીઓએ ભાગ લીધો હતો. તાલીમ લીધેલ નવ નિયુક્ત A-HELP કાર્યકર હવે પશુ ચિકિત્સકો અને દૂધ ઉત્પાદક ખેડૂતો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરશે.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે. પી.પાટીદાર, NDDB માંથી હિતેન્દ્રભાઇ રાઠોડ,APM જીતેન્દ્ર પટેલ, ડૉ. મનીષ પટેલ, ડૉ. દિલીપ પટેલ, એસેસર ડૉ. સચિન ચૌધરી અને RSETI સંસ્થાના નિયામક તુષાર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!