Gondal: ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવતાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા
તા.૧૯/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઉદ્યોગકારો સાથે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ દ્વારા ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ લાવવા સૂચનો આપ્યા
Rajkot, Gondal: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ ગોંડલમાં નવા માર્કેટીંગ યાર્ડ ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૪-‘૨૫ અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો હતો.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાગરિકોના પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા પ્રજા વચ્ચે નિયમિત રીતે આવવાના ભાગરૂપે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાયેલી છે. જેનો મુખ્ય આશય આ વિસ્તારના ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિને જાણી શકવાનો છે. જેના પરથી ભવિષ્યની સ્થિતિનો પણ ખ્યાલ મેળવી શકાશે. હાલમાં વૈશ્વિકસ્તરે આદ્યોગિક ક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં ભારતભરના ઉદ્યોગોની પ્રગતિ માટે આયોજનબદ્ધ પગલાંઓ અને સરકારની નીતિ સહાયરૂપ બની રહી છે.
આ કાર્યક્રમનો આરંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો. જેમાં કેન્દ્રીય બજેટ અને જી.એસ.ટી. વિષયક ચર્ચા-પરામર્શ કરાયા હતા. મંત્રીશ્રીએ ઉદ્યોગો સંબંધિત સમસ્યાઓ સાંભળીને તેનો ઉકેલ લાવવા જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ તેમણે ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો હતો.
આ બેઠકમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેનશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીશ્રીઓ ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને અશ્વિનભાઈ ઠુંમર, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, ચેમ્બર ઓફ કોમર્સ, મમરા એસોસિએશન, ભુણાવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જામવાડી-હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.