ખાનગી હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી દરમિયાન ડોક્ટરે નર્સ પર દુષ્કર્મ કર્યું
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ફરી એક આવી ઘટના બની છે. મુરાદાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર તહેનાત દલિત નર્સ સાથે ડોક્ટરોએ દુષ્કર્મ આચર્યું હતું.

કોલકાતામાં લેડી ડોક્ટર સાથે કરાયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાની વિરુદ્ધમાં દેશના વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ફરી એક આવી ઘટના બની છે. મુરાદાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર તહેનાત દલિત નર્સ સાથે ડોક્ટરોએ દુષ્કર્મ આચર્યું હતું.
પીડિત નર્સનો આરોપ છે કે વોર્ડ બોય અને મહિલા નર્સે તેને બળજબરીથી ડોક્ટરના રૂમમાં મોકલી અને બહારથી દરવાજો બંધ કરી દીધો. બળાત્કારની ઘટના બાદ આરોપીએ કોઈને કંઈ ન કહેવા કહ્યું. અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર શાહનવાઝ, નર્સ મેહનાઝ અને જુનૈદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જે બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. પીડિત પરિવારે જણાવ્યું કે તેમની પુત્રી 10 મહિનાથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. 17મી ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે નાઈટ ડ્યુટી પર ગઈ હતી.
જ્યારે ફરજ પર હતી ત્યારે અન્ય એક નર્સે પીડિતાને કહ્યું કે ડૉ.શાહનવાઝ ફોન કરી રહ્યા છે. જેના પર પીડિતાએ જવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ રાત્રે લગભગ 12.30 વાગે વોર્ડ બોય જુનૈદ ફરી આવ્યો અને ડોક્ટર પાસે જવાનું કહ્યું. ત્યારબાદ તેને બળજબરીથી ડોક્ટરના રૂમમાં લઈ જવામાં આવી અને બહારથી દરવાજો બંધ કરી દીધો.
પીડિતાએ બીજી નર્સને બોલાવીને મદદ માટે ચીસો પાડી, પરંતુ કોઈ આવ્યું નહીં. આ પછી ડોક્ટર શાહનવાઝે પીડિત નર્સ સાથે રેપ કર્યો. ડૉક્ટરે કહ્યું કે તમે જેટલા પૈસા માગો તેટલા આપીશ, પણ કોઈને કંઈ કહેશો નહીં. જો તું કહે તો હું તને મારી નાખીશ. પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટના દરમિયાન આરોપી વોર્ડ બોયએ તેમની પુત્રીનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢીને પોતાની પાસે રાખ્યો હતો. સવારે જ્યારે દીકરી ઘરે પહોંચી ત્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
CMO મુરાદાબાદ ડૉ. કુલદીપ સિંહે કહ્યું કે વિભાગની ટીમે તપાસ કરી છે અને હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની અને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એસપી દેહત સંદીપ કુમાર મીનાએ જણાવ્યું કે ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજી મળી હતી. જેમાં જણાવાયું હતું કે ફરિયાદીની પુત્રી નર્સ તરીકે કામ કરે છે. હોસ્પિટલમાં ડોક્ટરે તેની પુત્રી પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આરોપી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હોસ્પિટલને જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.




