GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત માનવ બલિદાન અને કાળાજાદૂ અટકાવવાનું બિલ સર્વાનુમતે પસાર

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું આજથી પ્રારંભ થયું છે. આ ત્રણ દિવસ ચાલનારા સત્રમાં આજે પ્રથમ દિવસે ગૃહમાં ગુજરાત માનવ બલિદાન અને કાળાજાદૂ અટકાવવાનું બિલ રજૂ કરાયું હતું જે સર્વાનુમતે પસાર કરાયું

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું આજથી પ્રારંભ થયું છે. આ ત્રણ દિવસ ચાલનારા સત્રમાં આજે પ્રથમ દિવસે ગૃહમાં ગુજરાત માનવ બલિદાન અને કાળાજાદૂ અટકાવવાનું બિલ રજૂ કરાયું હતું અને તે બિલ સર્વાનુમતે પસાર કરાયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ રજૂ કરી જણાવ્યું હતું કે, કાળાજાદૂ અને અંધશ્રદ્ધા જેવી પ્રવૃતિ માટે કોઈ કાયદો નથી, ત્યારે ભારતમાં આવી બાબતો ધ્યાને આવે તેને રોકવી જરૂરી છે. અત્રે જણાવીએ કે, હવે અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે.

ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024 આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું છે. જે વિધેયક મુજબ ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી છે જ્યારે કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો તે ગુનો ગણાશે. સાથો સાથ ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી કે અપાવવી પણ ગુનો ગણાશે.

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

  1. માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર.
  2. 2.ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારીને, મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી, અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વિગેરે.
  3. કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાય તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા. દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીઝો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી.
  4. અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવો બીજાના મનમાં ભય પેદા કરવો.
  5. કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા.
  6. મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી.
  7. કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી.
  8. આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો.
  9. પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.
  10. અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.આ તમામ પ્રકારની બાબતનો ગુનાહીત કૃત્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કઇ કઇ પ્રવૃત્તિ ગુનો ગણાશે નહિ?

આ કાયદામાં કઇ-કઇ બાબતોનો સમાવેશ ગુનાહીત કૃત્યમાં થશે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે

  1. પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, તેમજ ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો
  2. ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાની કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી.
  3. તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહિ.

આ કાયદાની જોગવાઇના ભંગ બદલ સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદાની જોગવાઇના ભંગ બદલ છ માસથી લઇને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી લઇને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે. આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!