
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામની સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે.જેના કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવતા જતા વાહનો ઠપ થઈ પડ્યા છે.ત્યારે મુસાફરો પણ અટવાતા જોવા મળી રહ્યા છે.મહારાષ્ટ્ર રાજ્યના સુરગાણા તાલુકાનાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે.પી .ગાવિતની આગેવાની હેઠળ સાપુતારા થી નાસિક ને જોડતા બોરગાંવ નજીક ઉંબરપાડા દિગર આરટીઓ ચેકપોસ્ટ ખાતે પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યા સુધી ચક્કાજામ ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.ત્યારે 21 મી ઓગષ્ટ ભારત બંધનાં એલાનની સાથે સાપુતારાથી નાસિકને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ચક્કાજામ કરવામાં આવતા ગુજરાત એસટી નિગમની ગુજરાતમાંથી વણી, સપ્તશૃંગી ગઢ, કળવણ , નાસિક ,શિરડી, પુના તરફ જતી એસટી બસોના પૈડા સાપુતારા એસટી ડેપો ખાતે થંભી જતા મુસાફર અટવાયા હતા.
તેમજ આંદોલનકારીઓનાં જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં પેસા સેક્ટરની 17 કેડરમાં ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર જાણી બુઝીને તે જગ્યાઓ ભરતી નથી.ઘણા ખરા લાયકાત ધરાવનાર યુવાનો અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ સાથે વિરોધ કરી રહ્યા છે. પરંતુ સરકાર આ આંદોલનને ગંભીરતાથી લેતી ન હોવાથી આંદોલનમાં ભાગ લેનાર ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે હવે આ અનિશ્ચિત મુદતનો ચક્કાજામ અને રસ્તો રોકો આંદોલન ક્યારે પૂર્ણ થશે અને આંદોલનકારીઓની માંગણી સંતોષવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું..





