Jasdan: જસદણ શહેર અને આજુબાજુના ૩૦ ગામોના દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લીધો

તા.૨૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જસદણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાયબ કલેકટરશ્રી ગ્રીષ્મા રાઠવાના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરાયો હતો. જેમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓનું કેમ્પના સ્થળ ઉપર જ વિનામૂલ્યે એસેસમેન્ટ કરાયું હતું.
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી આયોજિત આ કેમ્પનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો. પ્રાંત અધિકારીશ્રીએ દિવ્યાંગોને કોઈપણ પ્રકારની અડચણ ન પડે, તે બાબત ધ્યાને લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમમાં સાધન સહાય માટે દિવ્યાંગોની
પસંદગી, તેમનું પરીક્ષણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગોને પેન્શન, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર સહિતની સેવાઓનો લાભ આપવા અરજી લેવામાં આવી હતી.
જસદણ શહેર, કનેસરા, કમળાપુર, આટકોટ, જીવાપર સહિત આજુબાજુના ૩૦ ગામોના અંદાજે ૬૦૦ જેટલા લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લેવા ફોનકોલ કરીને જાણ કરાઈ હતી. કેમ્પમાં સાધન સહાય આપવા માટે પસંદ કરાયેલા લાભાર્થીઓને આગામી દિવસોમાં તેમની જરૂરિયાત અનુસાર ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરીંગ એઈડ મશીન, બેટરી બાઈક, કાંખઘોડી, સી.પી. ચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટીક વગેરે સહાયક ઉપકરણ અપાશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત સરકારની એડીપ યોજના અન્વયે સી.એસ.આર. (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી) હેઠળ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત એલીમ્કો કંપની તથા રતલામના એસ.આર. ટ્રસ્ટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમનું સંચાલન એમ.પી.ડબલ્યુ.શ્રી પિયુષભાઈ શુક્લએ કર્યું હતું. આ તકે મામલતદારશ્રી એમ. ડી. દવે, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ. એમ. રાઠોડ, પ્રોટેક્શન ઓફિસરશ્રી પંકજભાઈ દૂધરેજીયા, જસદણ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સી.કે.રામ, વીંછિયા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી રાજાભાઈ ખાંભલા, એમ.પી.એચ.શ્રી જીતુભાઈ પટેલ, અગ્રણીશ્રી ભાવેશભાઈ વેકરીયા, અશોકભાઈ ચાઉં સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





