Lodhika: લોધિકાના રાવકી ગામમાં ખેડૂતોને અપાઈ ઝીરો બજેટવાળી પ્રાકૃતિક કૃષિની તાલીમ

તા.૨૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સફળ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિથી થયેલા લાભો અન્ય ખેડૂતો સમક્ષ વર્ણવ્યા
Rajkot, Lodhika: રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીનને નંદનવન બનાવી, ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તેના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો ઝેરમુક્ત અને ઝીરો બજેટવાળી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સઘન તાલીમ અપાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
રાવકી ખાતે હાલમાં જ યોજાયેલી તાલીમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, નાયબ ખેતી નિયામક આત્મા, બાગાયત અધિકારીશ્રી, બીટીએમ આત્મા, ગ્રામસેવકો તથા રાવકી ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી કરતા કૃષ્ણરાજસિંહ જાડેજા તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા તથા તાલુકામાંથી પ્રાકૃતિક ખેતી તથા મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતો હાજર રહ્યા હતા અને તેઓએ પ્રાકૃતિક કૃષિથી થયેલા લાભોના અનુભવો ખેડૂતો સમક્ષ વહેંચ્યા હતા.
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ શું છે ત્યારથી શરૂ કરીને તેના ફાયદા સમજાવાયા હતા. આ સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (વરાપ) અને મિશ્ર પાકની વિસ્તૃત સમજ અપાઈ હતી. ઉપરાંત જીવામૃત તથા બીજામૃત કેવી રીતે બનાવવું તે પણ શીખવવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિના અગણિત ફાયદાઓ જોઈને ખેડૂતોએ પણ તેને અપનાવવા નિર્ધાર કર્યો હતો.



