GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકારે 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા  રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આગળ તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!